ટંકારા : ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદીમાં ટંકારાના ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને કેન્દ્રો પરની અવ્યવસ્થાના કારણે અન્નદાતાઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાલુકા પંચાયત પાછળ આવેલા રાશન ગોડાઉન ખાતેના ખરીદ કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત ધીમી ગતિએ કામગીરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. દરરોજ માત્ર સિંગલ ડિજિટમાં જ ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોમાં ભારે પરેશાની જોવા મળી રહી હતી.આ સમગ્ર મામલાની રાવ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને પહોંચતા જ તેઓએ તાત્કાલિક પગલાં લીધા હતા. ધારાસભ્યની સૂચનાથી સંગઠનની ટીમ અને જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિઓએ તાત્કાલિક ખરીદ કેન્દ્ર ઉપર પહોંચીને સ્થળ સ્થિતિની સમીક્ષા કરી હતી અને ધારાસભ્યને તેનો વાસ્તવિક અહેવાલ આપ્યો હતો. અહેવાલ મળ્યા બાદ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં સૂચના આપીને તાત્કાલિક ધોરણે ઘઉં ખરીદીની કામગીરી ઝડપી બનાવવા અને દૈનિક ખરીદીની સંખ્યા વધારવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનની ટીમને દરરોજ ખરીદ કેન્દ્રની મુલાકાત લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.#Tankara #MorbiUpdate #FarmersIssue #MSPPurchase #WheatFarming #DurlabhjiDethariya #GujaratNews #TankaraNews #AgricultureNews