અંતે પંચવટી સોસાયટીનો પાણીનો પ્રશ્ન ઉકેલાશે, મહાપાલિકાએ આપી લેખિત ખાતરી : કામ ચાલશે એ દરમિયાન જરૂર પડ્યે મહાપાલિકા ટેન્કરથી પાણી પૂરું પાડશેમોરબી : મોરબીમાં પાણી પ્રશ્ને લડત ચલાવનાર ચેતનભાઈની જીત થઈ છે. અંતે તેઓની લડતનો સાદ તંત્ર સુધી પહોંચી જતા ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનરે તેમને પારણાં કરાવી પ્રશ્ન હલ કરી દેવાની લેખિત ખાતરી પણ આપી છે. આ દરમિયાન ચેતનભાઈની આંખમાં હર્ષનાં આંસુ પણ છલકાઈ ગયા હતા. મોરબીમાં કન્યા છાત્રાલય રોડની પાછળ આવેલ પંચવટી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. તેમાં પણ ચેતનભાઈ નામના રહીશના ઘરે છેલ્લા 13 દિવસથી પાણી જ ન આવતું હોય તેઓએ ગઈકાલથી ભો-ટાકામાં બેસી જળ ત્યાગ કરીને આંદોલન શરૂ કર્યું હતું. વધુમાં સ્થાનિક લોકોએ આજે મહાપાલિકા કચેરીએ જઈને હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન તુરંત જ મહાપાલિકાએ એક્શનમાં આવી સિટી ઈજનેર પાસે સ્થળ વિઝિટ પણ કરાવી હતી. આ દરમિયાન બપોર બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ચેતનભાઈના ઘરની મુલાકાત લીધી હતી. તેમને અને અન્ય સ્થાનિકોને ધારાસભ્યએ સાંભળ્યા હતા. બાદમાં તેઓ અને ચેતનભાઈ મહાપાલિકા કચેરીએ ગયા હતા. જ્યાં મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્ય દ્વારા ચેતનભાઈને પારણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે મહાપાલિકા દ્વારા પાણી પ્રશ્ન દૂર કરવાની લેખિત ખાતરી પણ આપવામાં આવી છે. જેમાં મહાપાલિકા દ્વારા જણાવાયુ છે કે કામચલાઉ રીતે હાલ લાઇનમાં જે ચોક અપ છે તેને દિવસ 3માં દૂર કરવામાં આવશે. રીપેરીંગ દરમિયાન ખુટતું પાણી ટેન્કર દ્વારા અપાશે. મેઈન પાણીની લાઇનનો વ્યાસ વધારી 250 મીમીની નવી લાઈન નાખવામાં આવશે. જેનું ટેન્ડર તા.30 જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવશે. કામ 12 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. ભવિષ્યમાં જો પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો સારસ્વત સોસાયટી, દરજી સોસાયટી, પંચવટી-1 સોસાયટી, પંચવટી 2 સોસાયટી, વાળંદ સોસાયટીમાં મહાપાલિકા ટેન્કર વ્યવસ્થા કરી આપશે.