ખગોળશાસ્ત્રના અભ્યાસુ કિશોર ભાડજાના મતે કેટલાક દનૈયા નબળા તો કેટલાક સારા રહ્યા, 19 એપ્રિલે અખાત્રીજના પવન પરથી ચોમાસાનું અંદાજિત તારણ નીકળશેટંકારા : ચૈત્રી દનૈયા પછીના પરંપરાગત વરસાદી સંકેતો અનુસાર આ વર્ષે પૂરા ચોમાસા માટે મિશ્ર આગાહીઓ સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આ પ્રાચીન પદ્ધતિઓ પરથી વરસાદનો વરતારો જોવામાં આવે છે ત્યારે ખેડૂતો હાલ અખાત્રીજના અંતિમ સંકેતોની રાહ જોઈ રહ્યા છે. ખગોળશાસ્ત્રના અભ્યાસુ કિશોર ભાડજાએ જણાવ્યું છે કે પ્રારંભિક 2 દનૈયા નબળા રહ્યા હતા. ત્યારબાદ 7 દનૈયાના સારા સંકેતો મળ્યા હતા, પરંતુ ત્યાર પછીનો 1 દનૈયો નબળો, 8મો દનૈયો સારો અને ચૌદસનો દનૈયો ફરી નબળો રહ્યો છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં પાછળના વરસાદની ખેંચના સંકેતો પણ જોવા મળ્યા છે.હવે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે વાયુની દિશા અને અન્ય પરંપરાગત લોકવાયકાઓનું અવલોકન કરવાનું બાકી છે. આ અખાત્રીજ આ વર્ષે 19 એપ્રિલ 2026, રવિવારે સવારના 10:51 મિનિટથી શરૂ થશે અને 20 એપ્રિલ સવારના 7:29 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં અને મેષ રાશિમાં તથા સૂર્ય અશ્વિની નક્ષત્રમાં અને મેષ રાશિમાં હશે. આ દિવસને લોકબોલીમાં ‘સૂક્નવતો’ પણ કહેવામાં આવે છે.ગામડાઓમાં અખાત્રીજની વહેલી સવારે પવનની દિશા જોવાનો વિશેષ મહિમા રહેલો છે. કિશોર ભાડજાએ પવનની દિશાના આધારે નીચે મુજબના સંકેતો જણાવ્યા છે:● પૂર્વનો વાયુ: ઘાસ-ચારાની અછત અને અગ્નિ (દુષ્કાળ)ના સંકેત● અગ્નિ કોણનો વાયુ: દુષ્કાળ પડવાની શક્યતા● દક્ષિણનો વાયુ: વર્ષ નબળું● નૈઋત્યનો વાયુ: વર્ષ સારું● પશ્ચિમનો વાયુ: ખેત ઉત્પાદનમાં વધારો● વાયવ્યનો વાયુ: ખૂબ સારો વરસાદ● ઉત્તરનો વાયુ: વર્ષ સારું અને નદીઓમાં પાણી આવે● ઈશાનનો વાયુ: તોફાની વરસાદની સંભાવનાઅખાત્રીજના દિવસે બપોરે 12 વાગ્યે લાકડીના પડછાયાનું અવલોકન પણ કરવામાં આવે છે. તેમજ ચંદ્રના નક્ષત્ર અનુસાર પણ આગાહી કરવામાં આવે છે. જો કૃત્તિકા નક્ષત્ર હોય તો ‘કરૂંવરૂં’, રોહિણી હોય તો સુકાળ અને મૃગશીર્ષ હોય તો દુષ્કાળના સંકેત મળે છે. આ તમામ પરંપરાગત લોકવાયકાઓ અને અખાત્રીજના અવલોકન પરથી આ વર્ષના ચોમાસાનું અંદાજીત તારણ કાઢી શકાશે. આગામી ચોમાસાની તીવ્રતા અને વિતરણ વિશે અખાત્રીજના સંકેતો મોટી સૂચના આપશે.#MorbiUpdate #Monsoon2026 #Akhatrij #ChaitriDanaiya #WeatherForecast #GujaratWeather #Farming #MorbiNews