બાપદાદાની જમીનમાં હક્ક મુદ્દે લોહિયાળ ડખ્ખો મોરબી : જાર જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું ઉક્તિ મુજબ ટંકારાના મીતાણા ગામે બાપદાદાની સંયુક્ત મિલ્કતમાં પોતાના પિતાનો હક્ક માંગવા જનાર યુવાનને સગા પિતરાઈ ભાઈએ મારમારી આંખનો ડોળો કાઢી નાખતા ચકચાર જાગી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા મહેશભાઇ મનુભાઇ પારઘી, ઉ.વ.૩૫ ધંધો- મજુરીકામ વાળાની બાપદાદાની જમીન અંગે પોતાના પિતાનો હક્ક આપવા માટે આરોપી સુભાષભાઇ ઉર્ફે સુરેશભાઇ મોહનભાઇ પારઘી, ઉવ ૩૪ રહે મિતાણા તા.ટંકારા જી.મોરબી વાળાને સમજાવવા જતા મિતાણા ગામે મોમાઇ હોટલની પાસે આવેલ ચામુંડા માતાની ડેરી પાસે આરોપીએ ઉશ્કેરાઈ જઈ મહેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. વધુમાં મહેશભાઈએ પોતાના દાદાની જમીનમાંથી પોતાના પિતાના ભાગે આવતી જમીન આપી દેવા કહેતા જ આરોપી સુરેશે જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી મહેશભાઇની ડાબી આંખમા મારતા આંખના ડોળાને ગંભીર પ્રકારની કાઇમી ખોટ રહી જાય તેવી ઇજા થી હતી અને આરોપીએ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે પોલીસે ગુન્હો નોંધી આરોપી સુભાષ ઉર્ફે સુરેશની ધરપકડ કરી હતી.