મોરબીના બેલાથી ખોખરા હનુમાનજી જવાના રસ્તે આવેલ પાણીના કરખાનામાં બનેલી ઘટનામાં હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ મોરબી : મોરબીના બેલાથી ખોખરા હનુમાનજી જવાના રસ્તે આવેલ પાણીના કરખાનામાં ચોર સમજીને કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિતનાએ ઢોર માર મારતા યુવાનનું મોત નીપજ્યું હતું. હાલ આ બનાવની જાણ થતાં પોલીસે મૃતકને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે અને પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને હત્યાનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોરબીના બેલાથી ખોખરા હનુમાનજી જવાના રસ્તે આવેલ મફત મિનરલ નામના પાણીના કરખાનાના માલિક અશ્વિનભાઈ હરખજીભાઈ પટેલે આજે ફોનથી મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેમના કરખાનામાં એક ચોર આવ્યો હતો અને અમારી ઓફિસમાં સુતેલા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી થતા તે બેભાન હાલતમાં પડ્યો છે. આ પ્રકારની જાહેરાત આવતા તુરત મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનને બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.જ્યાં તબીબોએ આ અજાણ્યા યુવાનને મૃત જાહેર કરતા પોલીસે પીએમની વિધિ હાથ ધરી હતી. મોરબી તાલુકા પીઆઇના રાઇટર યુવરાજસિંહે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક તપાસમાં આ યુવાન ચોરીના કારખાનામાં ઇરાદે ઘૂસ્યો હોય તેવી શંકા રાખી કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિતના સ્ટાફ સાથે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઈ હોય અને આ યુવાનને બેફામ માર મરાવમાં આવતા મોત થયાનું ખુલ્યું છે. જો કે મૃતકની હજુ ઓળખ થઈ ન હતી. આથી હાલ આ મૃતક કોણ છે ? તેમજ ખરેખર ચોરી કરવા આવ્યો હતો કે કેમ ? તેમજ કોણે કોણે માર માર્યો તે અંગે સઘન તપાસ કરીને ગુનો નોંધવામાં આવશે.