બાળક કોઈ ગેંગના હાથમાં આવે તે પહેલાં જ તંત્રએ આશ્રય આપી પિતાની શોધખોળ કરી સુખદ અંત આણ્યોમોરબી : મોરબી જિલ્લામાં પરિવારથી ભટકતા કે ગુમ થયેલા બાળકોના સંરક્ષણ માટે કાર્યરત બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા એકમે વધુ એક બાળકનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું છે. માસૂમ બાળક રાહ ભટકે અથવા તો કોઈ બાળ ઉઠાવ ગેંગ તેનો દુરુપયોગ કરે તે પહેલા જ તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી અપાયો હતો અને બાદમાં તેના વાલી વારસ સાથે મેળાપ કરી અપાયો હતો.ગત તારીખ 18/05/2026 ના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા આવીને એક બાળકને સોંપી ગઈ હતી. આ મહિલાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 17/05/2026 ના રોજ લક્ષ્મીપરા ચોક વાંકાનેર ખાતેથી આ બાળક મળી આવ્યો હતો. બાળકની પૂછપરછ કરતા તેનું નામ જાણવા મળ્યું હતું, પરંતુ તેના પિતા ક્યાં રહે છે તેની તેને ખબર ન હતી. વાંકાનેર પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાળકના વાલી વારસ ન મળી આવતા, બાળકને તારીખ 19/05/2026 ના રોજ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.બાળ કલ્યાણ સમિતિએ આ બાળકને ખોખરા હનુમાન સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મોરબી ખાતે આશ્રય આપ્યો હતો. ત્યાર બાદ સંસ્થાના ગૃહ પિતા કૌશિકભાઈ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકે જણાવેલા સરનામે તેના વાલી વારસની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તારીખ 20/06/2026 ના રોજ બાળકના પિતા મળી આવ્યા હતા.તારીખ 22/06/2026 ના રોજ બાળકના પિતાને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને બાળકને પણ ત્યાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં બાળકે તેના પિતાને ઓળખી બતાવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકના પિતાના આધાર પુરાવા રજૂ કરાવી યોગ્ય કાયદાકીય ખરાઈ કરવામાં આવી હતી.આ પ્રક્રિયા બાદ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રમાબેન ગડારા, સમિતિના સભ્યો ખુશ્બુબેન કોઠારી, પીયુતાબેન નાદપરા, દીપાબેન રાવલ, ચિરાગભાઈ કંઝારીયા તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકને સહી સલામત તેના પિતાને સોંપવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #ChildWelfareCommittee #WankanerPolice #KhokhraHanumanSanstha #Reunited #ChildProtection #GujaratNews