મોરબી : મિત્રના પુત્રની જન્મદિવસની પાર્ટીમાં જાવ છું એમ કહીને ઘેરથી નીકળેલ મોરબીના આધેડ 6 દિવસથી ઘેર પરત ન ફરતા તેમના પત્નીએ બી ડીવી.પો. મથકમા ગુમશુદાની ફરિયાદ લખાવી છે. મોરબી 2માં આવેલા ઇન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીમાં રહેતા હીરાબેન રમણિકભાઈ મકવાણાએ બી.ડીવી. પો.મથકમાં પતિ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યાનુસાર ગત તારીખ 22ના રોજ પોતાના પતિ રમણિકભાઈ મિત્રના પુત્રની જન્મદિવસની પાર્ટીમાં જાવ છું કહીને ઘેરથી નીકળી ગયા બાદ આજ દિવસ સુધી ઘેર પરત ફર્યા નથી. જતા સમયે કયા મિત્રના પુત્રની પાર્ટીમાં જાય છે એ પણ જણાવ્યું ન હોવાથી પરિવારે દરેક પરિચિતોના ઘેર ભારે શોધખોળ કર્યા બાદ આખરે પોલીસને જાણ કરતા મોરબી સીટી બી.ડીવી. પો.મથકના પો.હેડ.કોન્સ. એફ.આઈ.સુમરાએ તપાસ હાથ ધરી છે. ગુમ થનાર રમણિકભાઈ ઉં.વ.45, ઊંચાઈ આશરે 5 ફૂટ, શરીરે મધ્યમ બાંધાના, શ્યામ વર્ણ, જમણા હાથની પહેલી આંગળી કપાયેલી તથા જમણા હાથના કાંડે ઓમ ત્રોફાવેલ છે. ઉપરોક્ત શારીરિક વર્ણન વાળા વ્યક્તિ જો કોઈને જોવા મળે તો નજીકના પો.સ્ટે.માં જાણ કરવા અનુરોધ કરાયો છે.