એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદના આધારે લખધીરપૂરના શખ્સ સામે ગુનો નોંધ્યોમોરબી : મોરબીમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા ઉપર એક શખ્સે બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતી એક સગીરા બ્યુટીપાર્લરના કામે જતી ત્યારે અંકિત રાજેશભાઇ ડાભી રહે.લખધીરપુર નામના શખ્સે તેની સાથે મિત્રતા કેળવી તેમના ફોટો લઈ પોતાના ફોટો સાથે એડિટ કરી તેને વાયરલ કર્યા હતા. જો કે આ ફોટો અંગે તેના પિતાને જાણ થતાં શખ્સના માતા-પિતાને રાવ કરી હતી. ત્યારે આ શખ્સના માતા-પિતાએ માફી માગતા મામલો ત્યાં પતી ગયો હતો. જો કે બાદમાં ફરી શખ્સે ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બે વખત પાનેલીની વિડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત સગીરાની સગાઈ કરવામાં આવી હતી. જે સગાઈ પણ આ શખ્સે ફોટો બતાવીને તોડાવી નાખી હતી. આ મામલે સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.