બાઇકમાં પેટ્રોલ પુરાવા જતા હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યોમોરબી : માળીયા મિયાણા રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતાએ બે સગીર બાઇકમાં પેટ્રોલ પુરાવવા માટે મોરબી - માળીયા હાઈવે ઉપર પેટ્રોલપંપે જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે અચાનક પેટ્રોલપંપ તરફ વળાંક લેતા બાઈક ટ્રક નીચે આવી જતા એક સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા સગીરને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા શહેરના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા ફતેહમામદ ઇશાભાઈ માલાણીએ એમએચ - 14 - કેએ - 7465 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.17ના રોજ સાંજના સમયે તેમનો પુત્ર રમઝાન તેમજ તેમના ભત્રીજા મકબુલનો પુત્ર અકરમ બાઇકની ચક્કર મારવા ગયા હતા અને બાદમાં માળીયા હાઇવે ઉપર સ્વાગત પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા જતા ટ્રક ચાલકે અચાનક પેટ્રોલપંપ તરફ વળાંક લઈ બન્ને સગીરને હડફેટે લઈ અકસ્માત સર્જતાં અકરમનું ટ્રકના ટાયર નીચે આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રમઝાનને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટનામાં માળીયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.