ઘેરથી પૂછયા વગર મેળામાં જતો રહેતા પિતાએ ઠપકો આપતા ઘેરથી ગયા બાદ ભાળ ન મળી મોરબી : મોરબીના પ્રેમજીનગર ગામે રહેતો સગીર ઘેરથી કહ્યા વગર રફાળેશ્વર મેળામાં જતા ઘેર પિતાએ ઠપકો આપતા ગત તા.22ના રોજ ઘેરથી નીકળી ગયેલા સગીરની ભાળ ન મળતા બનાવ અંગે સગીરાના પિતાએ અપહરણની શંકા દર્શાવતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ બાબતે ફરિયાદ નોંધી છે.મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા અને સેનેટરીવર્સમા મજૂરી કરતા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડ ઉ.34એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ તેમનો સગીર પુત્ર ઘેરથી પૂછ્યા વગર રફાળેશ્વર મેળામાં ગયો હતો અને રાત્રે સાડા આઠેક વાગ્યે ઘેર પરત આવતા પૂછ્યા વગર મેળામાં કેમ ગયો તે અંગે ઠપકો આપતા ઘેરથી નીકળી ગયો હતો.સગીર પુત્ર ઘેરથી જતો રહ્યા બાદ તેના પિતા ગોપાલભાઈએ રફાળેશ્વર મેળામાં તેમજ તરણેતર મેળામાં ઉપરાંત સગાંવહાલાંને ત્યાં પણ તપાસ કરતા પુત્ર મળી ન આવતા અજાણ્યા ઈસમો તેમના પુત્રને ઉપાડી ગયા હોવાની શંકા વ્યક્ત કરી અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. નોંધનીય છે કે, ગોપાલભાઈના પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ઉમિયાનગર ગામે પિતાને ત્યાં રિસામણે હોવાથી ફરિયાદીએ પોતાનો પુત્ર માતા પાસે ગયો હશે તેમ માની ત્યાં પણ તપાસ કરી હતી. જો કે, લાપતા સગીરની ભાળ ન મળતા હાલમાં પોલીસે ગોપાલભાઈની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરી સગીરને શોધવા માટે તપાસ શરૂ કરી છે.