૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદજીત ૪૮ લાખના ખર્ચે પંચાયતો માટે કરાઈ સાધનની ખરીદી મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ૬ ટ્રેક્ટર તેમજ ટ્રોલી, ૧ જેટિંગ મશીનનું જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીમાં દરેક ક્ષેત્રમાં નવા પ્રકલ્પો થકી વિકાસના માર્ગે મોરબી ગુજરાત સાથે કદમ થી કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. વધુમાં મંત્રીએ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલા આ ટ્રેક્ટરનો સદુપયોગ થાય, ગામની સ્વચ્છતામાં આ ટ્રેક્ટરનો સારો એવો ઉપયોગ કરીને ગામની સુખાકારીમાં વધારો કરવામાં આવે તેવી સરપંચોને અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, મોરબી વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે વિકાસના માર્ગે ભરેલી હરણફાળ સાથે મોરબી જિલ્લાની વિકાસયાત્રામાં પણ સૌને સહભાગી બનવા તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ પંચાયતોને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ૩૬ લાખથી વધુના ખર્ચે ૬ ટ્રેકટર તેમજ ટ્રોલી, ૧૧.૫ લાખની કિંમતના એક જેટિંગ મશીનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કટારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગિયા, અગ્રણી સર્વ જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઇ પારેઘી, નથુભાઈ કડીવાર, વાઘજીભાઈ ડાંગરોચા, યુસુફભાઇ શેરસિયા, કિશોરભાઇ ચિખલીયા, લીઓલી સીરામીકના માલિક અને સ્થાનિક અગ્રણી રાઘવજીભાઈ ગડારા તેમજ લીઓલી સિરામિકના પ્રમોટર નેલ્શન ગડારા તથા ઇઝરાયેલથી આવેલા તેમના પાર્ટનર એરેજ ગોહાર ઉપરાંત સ્થાનિક પદાધિકારી/અધિકારીઓ તેમજ વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા અંગે પ્રતિભાવો વ્યક્ત કરતી છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પ્રતિભાવથી પ્રભાવિત થઈને રાજ્યમંત્રીએ વિદ્યાર્થીનીનું સન્માન કર્યું મોરબી : શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ટ્રેક્ટર-ટ્રોલી લોકાર્પણ કાર્યક્રમમાં માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળાની ધોરણ ૬ માં ભણતી વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમારે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા પર પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ગુજરાતની છેલ્લા ૨૦ વર્ષની વિકાસ ગાથા હેઠળ ગુજરાતમાં થયેલ અનેક વિકાસકાર્યો, નવા પ્રકલ્પો, અધ્યતન શાળા - યુનિવર્સિટીઓ વગેરેની વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની વાટે હરણફાળ ભરી છે. હેન્સી પરમારના આ પ્રતિભાવથી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રભાવિત થઈને તેનું પોષણયુક્ત કઠોળની ટોપલી દ્વારા સન્માન કર્યું હતું