વચેટિયાઓ દ્વારા નાણાં ઉઘરાવાતા હોવાની ફરિયાદો ઉઠતા કડક કાર્યવાહીની તાકીદ કરાઈ : મંજૂરી વિના કામ શરૂ કરી દેનાર અને દસ્તાવેજોના અભાવે અટકતા હપ્તા અંગે માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાની જમીન પર મકાન બાંધવા માંગતા લાભાર્થીઓ માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે મળતી ચાર લાખ રૂપિયાની સહાય અંગે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને હપ્તા ન મળવા અંગેના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન યોજનામાં ગેરરીતિ, વચેટિયાઓ દ્વારા નાણાંની માંગણી અને મંજૂરી વિના કામ શરૂ કરવા જેવા ગંભીર મુદ્દાઓ સામે આવ્યા હતા. દોઢથી બે કલાક ચાલેલી આ બેઠકમાં લાભાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની સાથે કડક સૂચનાઓ આપીને કોઈને પણ ગેરકાયદેસર રીતે નાણાં ન આપવા જણાવાયું હતું.આ બેઠકમાં મંત્રી કાંતિલાલ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ લાભાર્થીઓની રજૂઆતો શાંતિથી સાંભળી હતી. કેટલાક લાભાર્થીઓએ ફરિયાદ કરી હતી કે યોજનાના કર્મચારીઓ અને બહારના વચેટિયાઓ મંજૂરી અપાવવા અથવા કોન્ટ્રાક્ટ રાખવાના બહાને પૈસાની માંગણી કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ફોર્મ મંજૂર ન થયા હોવા છતાં કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત, વચેટિયાઓ ખોટો ડર બતાવીને લોકો પાસેથી ઉઘરાણી કરતા હોવાની ચોંકાવનારી વિગતો પણ બેઠકમાં ચર્ચાઈ હતી.લાભાર્થીઓની આ ફરિયાદો સાંભળ્યા બાદ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ સ્પષ્ટ તાકીદ કરી હતી કે આવી કોઈ પણ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને કોઈએ પણ વચેટિયાઓને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે લોકો પાસે પૂરતા અને યોગ્ય દસ્તાવેજો હશે તેમને નિયમ મુજબ મંજૂરી મળી જ જશે અને તેમના હપ્તા પણ સમયસર શરૂ થઈ જશે. આ બેઠકમાં લાભાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોની ઝડી વચ્ચે વહીવટી પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે મોરબીમાં આવાસ યોજના હેઠળ કુલ 490 મકાનો મંજૂર થયા છે, જેમાંથી 261 મકાનોના લાભાર્થીઓને હપ્તા મળવામાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં આવશે. ગરીબ લાભાર્થીઓને કાગળિયા કરવામાં પડતી તકલીફો, વચેટિયાઓનો ત્રાસ સહિતની રજૂઆતો મળ્યા બાદ તેમણે સંબંધિત તમામ લોકોને બોલાવીને પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટેની કવાયત હાથ ધરી છે. લાભાર્થીઓના બેંકમાં ખાતા ખોલાવવા, ફોટા પાડવા અને બાકીના કાગળિયા પૂરા કરવા માટે કોર્પોરેશનના બે માણસો મુકાશે. જરૂર પડ્યે ચેરમેનને બેસાડી 10-10 મકાનોના પ્રશ્નો ઉકેલીને તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તાત્કાલિક પૈસા મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.નકશા અને નોટરીના ખર્ચમાં લાભાર્થીઓને મોટી રાહત અપાઈ આવાસ યોજના માટે નકશો બનાવવાના ૧૨,૦૦૦ રૂપિયા જેટલી માતબર રકમ લેવાતી હોવાની તથા નોટરી માટે વધુ પૈસા લેવાતા હોવાની રજૂઆતો બેઠકમાં થઈ હતી. આ સમસ્યાના નિવારણ માટે કોર્પોરેટર પૂનમબેન અગેચણીયાને જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ લાભાર્થીઓને માત્ર ૩,૦૦૦ રૂપિયામાં નકશો બનાવડાવી આપશે. આ ઉપરાંત, વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર દ્વારા નોટરી સિક્કાની કામગીરી પણ લાભાર્થીઓને કોઈપણ વધારાના ખર્ચ વિના વ્યવસ્થિત રીતે કરી આપવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી.મોરબીમાં ૪૯૦ આવાસોનો લક્ષ્યાંક, ૨૬૧ પ્રગતિ હેઠળપ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકા વિસ્તાર માટે કુલ ૪૯૦ આવાસો મંજૂર કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સામે હાલમાં ૨૬૧ જેટલા આવાસોની કામગીરી પ્રગતિ હેઠળ છે અને તેમને આગળ વધારવામાં આવી રહ્યા છે. બાકી રહેલા આવાસોની મંજૂરી અને કામગીરી પણ યોગ્ય દસ્તાવેજોની ચકાસણી બાદ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે જેથી નિર્ધારિત લક્ષ્યાંક પાર પાડી શકાય.#Morbi #AwasYojana #KantilalAmrutiya #MorbiNews #Gujarat