મંત્રીએ સ્થળ નિરીક્ષણ કરી ઓછામાં ઓછુ નુકશાન થાય તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી મોરબી : સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્વાયોજન રૂપે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબીના નવલખી બંદરની મુલાકાત લઈ સ્થિતિ તથા વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિત તથા તેને અનુરૂપ કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી અધિકારીઓને વિવિધ સુચનો કર્યા હતા. આ દરમિયાન તેમણે પોર્ટ ઓફિસરને મળી ત્યાની વ્યવસ્થાઓ અંગેની માહિતી મેળવી હતી. જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક તથા હળવદ - માળીયા પ્રાંત અધિકારીને સંભવિત આફતને પહોંચી વળવા અને આ વિસ્તારમાં ઓછામા ઓછું નુકશાન થાય તે જોવા તેમજ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ વ્યક્તિ રહે નહી તે માટે યોગ્ય કરવા તાકીદ કરી હતી. ઉપરાંત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવા અને નાગરિકોની સલામતી સુનિશ્વિત કરવા પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું. આ ઉપરાંત મંત્રીએ પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને વાવાઝોડું આવે તે પહેલાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. મંત્રીએ આ વિસ્તારમાં થઈ રહેલા લોકોના સ્થળાંતરનું તલસ્પર્શી નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત વેળાએ મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ માળિયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય તેમજ અન્ય સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.