જિલ્લાના અધિકારીઓ સાથે મંત્રીની બેઠક : ITIના વિદ્યાર્થીઓને વધુમાં વધુ નોકરી અપાવવા અને મહિલાઓને અનુરૂપ તાલીમ વર્ગો શરૂ કરવા સૂચનામોરબી : મોરબી સર્કિટ હાઉસ ખાતે આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંત્રીએ જિલ્લાની દરેક ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં મહિલાઓને અનુરૂપ તાલીમ વર્ગો શરૂ કરવા જણાવ્યું હતું. સાથે જિલ્લા લેવલે એક મહિલા આઈટીઆઈ શરૂ કરવા અંગે સૂચન કર્યું હતું.આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મંત્રીના પી.એ જે.પી.જેસ્વાણી, સુનિલભાઈ અઘારા તથા મોરબી જીલ્લાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વ પ્રથમ ઉપસ્થતિ દરેક અધિકારી દ્વારા મંત્રીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારબાદ માનનીય મંત્રી દ્વારા એક પછી એક અધિકારીના કાર્યક્ષેત્રની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દરેક આઈ.ટી.આઈ ખાતે મોરબી જિલ્લાના ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર વ્યવસાયો ચલાવવા તેમજ જિલ્લાના વધુને વધુ ઉમેદવારો રોજગારી મેળવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. મંત્રીએ જિલ્લાની દરેક ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે મહિલાઓ પણ વધુને વધુ તાલીમ મેળવે જેને અનુરૂપ વર્ગો શરૂ કરવા અને જિલ્લા લેવલે એક મહિલા આઈ.ટી.આઈ. શરૂ કરવા અંગે સૂચન કર્યું હતું.