જનહિત અને વિકાસના કામોમાં ઝીરો પેડેન્સી અભિગમ રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા મંત્રીની અધિકારીઓને તાકીદમોરબી : શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો અને શાખાઓની કામગીરી તથા યોજનાઓની અમલવારીની વિગતો મેળવી હતી અને તેની પ્રગતિ બાબતે સમીક્ષા કરી હતી.મંત્રીએ જનહિતના અને વિકાસના કામોમાં ઝીરો પેન્ડેન્સી અભિગમ રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. આ વર્ષે થયેલ અતિવૃષ્ટિ બાબતે ખેડૂત કૃષિ રાહત પેકેજ સહાયની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. લોક સુખાકારીને પ્રાથમિકતા આપી સરળતા અને સહજતા સાથે માનવીય અભિગમ રાખી કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મેરાભાઈ વિઠલાપરા સહિત વિવિધ સમિતિના ચેરમેનઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.