નિર્માણાધીન મેડિકલ કોલેજ અને મણિમંદિર પરિસરમાં બની રહેલા ‘રાણીબાગ’નું નિરીક્ષણ કરી અધિકારીઓને આપ્યું માર્ગદર્શનમોરબી: મોરબી જિલ્લામાં વિવિધ વિકાસાત્મક પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્યથી ‘પ્રગતિ પથ યાત્રા’ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ 13 જૂનના રોજ જિલ્લાના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોની મુલાકાત લીધી હતી.કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મોરબીમાં 12 વર્ષના વિશ્વાસ અને વિકાસના ભાગરૂપે અનેક પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યા છે. આ પ્રગતિ પથ યાત્રા અન્વયે મંત્રીઓએ મોરબી વાસીઓની સુવિધા માટે નિર્માણ પામી રહેલા અત્યાધુનિક જી.એમ.ઈ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ કેમ્પસની રૂબરૂ મુલાકાત લીધી હતી.અહીં તેઓએ સિવિલ માળખા હેઠળ પૂર્ણ થઈ ગયેલા મુખ્ય કેમ્પસ, આધુનિક સુવિધાયુક્ત લેક્ચર હોલ તેમજ હાલ ચાલી રહેલી કામગીરીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ભવ્ય પ્રકલ્પની ગતિ જોઈને મંત્રીઓએ હર્ષ વ્યક્ત કર્યો હતો તેમજ અધિકારીઓને કામગીરી ગુણવત્તાસભર રાખવા જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંવર્ધનનો સંદેશ પણ આપ્યો હતો.ત્યારબાદ મણિમંદિર પરિસરમાં નિર્માણ પામી રહેલા ‘રાણીબાગ’ના કામનું સ્થળ નિરીક્ષણ કરી મંત્રીઓએ રાણીબાગના ડેવલપમેન્ટ પ્લાનની સમીક્ષા કરી હતી. કલાત્મક અને પર્યટનલક્ષી સુવિધાઓ ઝડપથી વિકસાવવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે તેઓએ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન મણિમંદિર તેમજ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, નાયબ કમિશનર સંજય સોની, મેડિકલ કોલેજના ડીન ડૉ. બિશ્વાસ, સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. દુધરેજીયા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જીલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા સહિતનાં અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PragatiPathYatra #Development #GMERSMedicalCollege #ManiMandir #Ranibag