માળીયા મિયાણા નેશનલ હાઇવે અને વાંકાનેર પંથકમાં કાર્યવાહી : ફાયર ક્લે, ચાઈના ક્લે અને બોલ ક્લેની હેરાફેરી ઝડપી મોરબી : ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે છેલ્લા પાંચ દિવસમાં મોરબી પંથકમાં ચેકીંગ કરી સપાટો બોલાવી દઈ કચ્છથી ખનીજચોરી કરીને લાવવામાં આવતી ફાયર ક્લે, બોલ ક્લે અને ચાઈના ક્લેનું વહન કરતા અલગ અલગ સાત વાહનો કબ્જે કરવાની સાથે વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ફાયર ક્લેનું ગેરકાયદેસર ખનન કરતા એક હિટાચી તેમજ ત્રણ ડમ્પર પકડી પાડી 3.25 કરોડના વાહનો જપ્ત કર્યા હતા. સાથે જ મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા વાહન ચાલકો પાસેથી રૂ.19.25 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી અંકિત ભટ્ટની આગેવાનીમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે છેલ્લા પાંચ દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં થતી ખનીજચોરી ઉપર ધોંસ બોલાવી હતી. જેમાં માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર રોયલ્ટી ભર્યા વગર કચ્છમાંથી લાવવામાં આવેલ ફાયર ક્લે, ચાઈના ક્લે અને બોલ ક્લે ભરેલા પાંચ ડમ્પર તેમજ મોરબી શહેર નજીકથી ફાયર ક્લે અને ચાઈના ક્લે ભરેલા ખનીજચોરી વાળા બે ડમ્પર સહિત કુલ રૂ.2 કરોડના સાત વાહનો કબ્જે કરી ખનીજચોરી કરતા ઈસમો પાસેથી રૂ.19.25 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.દરમિયાન રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા અન્ય એક કાર્યવાહીમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખનન થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી બનાવ સ્થળેથી એક હિટાચી તેમજ ત્રણ ડમ્પર કિંમત રૂપિયા 1.25 કરોડના વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાણખનીજ વિભાગની કડક કાર્યવાહીને પગલે વાંકાનેર પંથકમાં ફાયર ક્લેના ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો સામે આવ્યું છે.