જિલ્લાના પ્રભારી મંત્રી, ધારાસભ્ય, અધિકારીઓ અને ઉદ્યોગોકારોની બહોળી ઉપસ્થિતી : બપોર બાદ વિવિધ વિષયો ઉપર માર્ગદર્શક સેમિનાર મોરબી : આગામી તા.10થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે કચ્છ - સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. તે પૂર્વે મોરબી ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રભારી મંત્રીની હાજરીમાં મીની વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં મોરબી જિલ્લામાં નવા શરૂ થનાર અનેક ઔદ્યોગિક એકમો એમઓયુ સાઇન કરશે.મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની હાજરીમાં મોરબીના કેશવ બેંકવેટ હોલ, લીલાપર રોડ ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમ શરૂ થયો છે. રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો દ્વારા નવા મૂડી રોકાણ કરવામાં આવશે જેના MoU પણ આ દરમિયાન થશે. આ કાર્યક્રમમાં પ્રભારીમંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ એકમોને સરકારની યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત બપોર બાદ જિલ્લાના ઉદ્યોગકારોને GST/Labour ના કાયદાઓ, GeM (Government e-Market Place) તથા સરકારની વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહક યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંજે 4 વાગ્યા સુધી ચાલવાનો છે.આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મંત્રીઓ કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, કલેકટર, ઇન્ચાર્જ ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિતની ઉપસ્થિતિ રહી છે.