100 જેટલા કારખાના સ્વૈચ્છીક બંધ ; પ્રોપેન ગેસના વપરાશમાં ઉછાળા બાદ ત્રણ દિવસથી ત્રણેક લાખ ક્યુબીક મીટરનો ઘટાડોમોરબી : જન્માષ્ટમીના તહેવાર સમયે જ મોરબીના સિરામિક ઉદ્યોગને પ્રથમ વખત કહી શકાય તેવા મીની વેકેશન રૂપે શટડાઉન કરવું પડ્યું છે, છેલ્લા અઠવાડિયામાં જ મોરબીના 100 જેટલા મોટા ઉદ્યોગકારોએ શટડાઉન કરતા નેચરલ અને એલપીજી - પ્રોપેન ગેસના વપરાશમાં ગાબડા પડયા છે, હાલમાં મોરબીમાં જીએસપીસી નેચરલ ગેસમાં દૈનિક 10થી 12 લાખ ક્યુબીક મીટર અને એલપીજી પ્રોપેન ગેસમાં 3 લાખ ક્યુબીક મીટરનું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે.સ્થાનિક માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક કોસ્ટરને ઇન્ટરનેશન વ્યાપારમાં કન્ટેનર અને ફ્રેટ ચાર્જમાં ભાડા વધારો નડી જતા એક્સપોર્ટ ઠપ્પ થઈ જવા પામ્યું હોય તૈયાર માલના ભરાવાને કારણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં જન્માષ્ટમીના મીની વેકેશનની જેમ શટડાઉન શરૂ થયું છે, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયા અને વિનોદ ભાડજાના જણાવ્યા મુજબ ઇન્ટરનેશનલ માર્કેટ ઠપ્પ થઈ જતા હાલમાં ક્રમશ શટડાઉન લેવાઈ રહ્યા છે અને હાલમાં 100 જેટલા એકમોમા ઉત્પાદન કાર્ય સ્વૈચ્છીક રીતે બંધ કરાયું છે.બીજી તરફ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા શટડાઉન શરૂ થયું હોવાની સાબિતી રૂપે પ્રોપેન અને એલપીજી ગેસના વપરાશમાં ઘટાડો થયો છે, હાલમાં મોરબીમાં પ્રોપેન અને એલપીજીનો વપરાશ ત્રણ દિવસમાં ત્રણ લાખ ક્યુબીક મીટર ઘટીને 37 લાખ ક્યુબીક મીટરે પહોંચ્યો હોવાનું પ્રોપેન ગેસ વિક્રેતા કુમારભાઈએ જણાવ્યું હતું. સાથે જ ગુજરાત ગેસના પાઇપલાઇન નેચરલ ગેસમાં દૈનિક 10થી 12 લાખ ક્યુબીક મીટરનો ઘટાડો થયો છે, ગત મહિને ગુજરાત ગેસના નેચરલ ગેસનો વપરાશ 40 લાખ ક્યુબીક મીટર જેટલો હતો તે ઘટીને હાલમાં 25 લાખ ક્યુબીક મીટર સુધી પહોંચ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક વર્ષમાં મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા વિવિધ પરિબળોને કારણે 150 જેટલા એકમો બંધ થયા છે ત્યારે હાલમાં આંતરાષ્ટ્રીય માર્કેટમાં વિપરીત પરિસ્થિતિને પગલે એક્સપોર્ટ ઠપ્પ થઈ જતા સિરામિક ઉદ્યોગ માટે કપરા દિવસો શરૂ થયા છે અને હાલમાં 100થી વધુ એકમોમા માલનો ભરાવો થઈ જતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને સ્વૈચ્છીક શટડાઉન શરૂ થયું છે.