વેપારી મહામંડળ તેમજ કાપડ મહાજન- રેડીમેઈડ ગાર્મેન્ટ એસો.ની જિલ્લા કલેક્ટરને રજુઆત મોરબી : મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મીની લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરાયા હતા. પણ આ નિયમોથી વેપારી વર્ગ આર્થિક સંકડામણમાં સપડાયો હોય હાલ બેહાલ થઈ ગયા હોવાથી વેપારી મંડળો આંશિક છૂટછાટની માંગ ઉઠાવી રહ્યા છે. મોરબી વેપારી મહામંડળ તરફથી પ્રમુખ દિનેશભાઇ કંસારાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે હાલની સ્થિતિને ધ્યાને લઈને મોરબીમાં લોકડાઉન લાગેલ છે. તેમાં છૂટછાટ તથા ફેરફાર કરવા માટે માંગ ઉઠાવવામાં આવે છે. મોરબીના સામાન્ય રિટેઇલ વેપારી વર્ગમાં વેપાર ધંધા બંધ હોવાથી આર્થિક, માનસિક, શારીરિક રીતે વેપારી ભાંગી પડેલ છે. તો લોકડાઉનમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત થાય તેવો નિર્ણય કરવામાં આવે. મોરબી કાપડ મહાજન તથા રેડીમેઈડ ગાર્મેન્ટ એસોસિએશન તરફથી જમનાદાસભાઈ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવાયું હતું કે હાલ વેપાર ધંધા પડી ભાંગ્યા છે. વેપારીઓને બે ટંક ખાવાનું પણ નસીબ થાય તેટલા રૂપિયા રહ્યા નયહી. વેપારી કોઈ પાસે પૈસા માંગી શકે તેમ પણ નથી. કપડા જીવન જરૂરિયાત ચીજ છે. જે લગ્ન પ્રસંગમાં પણ જોઈએ તેમજ મરણ પ્રસંગમાં પણ જોઈએ. જેથી વેપારીઓને સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવે. વેપારીઓ તમામ નિયમોનું પાલન કરશે તેની ખાતરી આપવામાં આવે છે.