સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારોમાં આગ બુઝાવવા આધુનિક સુવિધાઓથી સજ્જ નવું વાહન આશીર્વાદરૂપ સાબિત થશેમોરબી: મોરબી શહેરના ગીચ વિસ્તારો અને સાંકડી ગલીઓમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે ત્વરિત કામગીરી કરી શકાય તે હેતુથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નવીન મિની ફાયર ટેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાહન ગુજરાત સરકારની ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' (SJMMSVY) અંતર્ગત ફાળવવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી શહેરનો ભૌગોલિક વિસ્તાર અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને ધ્યાને રાખીને આ મિની ફાયર ટેન્ડર ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. ઘણીવાર સાંકડા રસ્તાઓને કારણે મોટા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ આ નાનું અને ચપળ વાહન ગમે તેવા સાંકડા વિસ્તારોમાં ઝડપથી પહોંચી આગ પર તુરંત કાબૂ મેળવવામાં મદદરૂપ થશે. ફાયર વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની જાન-માલની સુરક્ષા માટે પ્રતિભાવ (રિસ્પોન્સ) સમય ઘટાડવાનો છે.આ મિની ફાયર ટેન્ડરની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો, તેની ડિઝાઇન કદમાં નાની હોવાથી તે શહેરના સાંકડા રસ્તાઓ, પોળ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકશે. આ વાહન પર ફાયર ફાઈટિંગ માટેની લેડર (સીડી), હોઝ રીલ અને અન્ય આધુનિક સાધનો સજ્જ છે. મોટા ફાયર ફાઈટર જે વિસ્તારોમાં નથી જઈ શકતા, ત્યાં આ મિની ટેન્ડર પ્રથમ રિસ્પોન્ડર તરીકે પહોંચી આગ પર કાબૂ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.મોરબીના સતત વધી રહેલા વ્યાપ અને ઔદ્યોગિક મહત્વને ધ્યાને રાખીને જી.યુ.ડી.સી. (GUDC) ના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટીના સાધનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આ નવા વાહનના આગમનથી મોરબી ફાયર વિભાગ હવે આપત્તિ વ્યવસ્થાપન માટે વધુ સજ્જ બન્યું છે અને કામગીરી વધુ ઝડપી બનતા આગની દુર્ઘટનાઓ સમયે જાન-માલનું નુકસાન ઘટાડવામાં મોટી મદદ મળી રહેશે. શહેરના વિકાસની સાથે ફાયર સેફ્ટીના સાધનોને અપગ્રેડ કરવાની દિશામાં આ એક મહત્વનું કદમ છે.#Morbi #MorbiUpdate #FireDepartment #MiniFireTender #MorbiMunicipalCorporation #FireSafety #GujaratNews #LiveMorbi