વાંકાનેરની સેન્ડસ્ટોન ખાણમાં પર્યાવરણીય મંજૂરી અંગે તપાસ કરતા જામનગરના શખ્સે ઓફિસમાં ઘુસી પોતાની તાકાત બતાવીમોરબી : ખનીજ સંપદાથી સમૃદ્ધ મોરબી જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બનીને દિવસ-રાત ખનીજ ચોરી કરી રહ્યાનું જગજાહેર છે ત્યારે હવે તો ખનીજ માફિયાઓ ખાણખનીજ વિભાગની ઓફિસમાં ઘુસી વિભાગના વડા એવા ભૂસ્તરશાસ્ત્રીને તમે ક્યાં દુધે ધોયેલા છો ? હું એકલો નહીં અડધું ગામ ખનીજ ચોરી કરે છે કહી જાનથી મારી નાખવા ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે, સમગ્ર મામલે હાલમાં મોરબી જિલ્લા ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આણંદપર ગામે વિનોદ ધરમશી નામના શખ્સ દ્વારા પર્યાવરણીય મંજૂરી વગર સેન્ડસ્ટોનની ખાણ ચાલુ હોવાથી મોરબી જિલ્લા ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ મહેશ્વરીને ગેરકાયદેસર ખનન મામલે તપાસમાં મોકલતા આ મામલે લીઝ ધારક વિનોદ ધરમશી વતી તેના માણસ વસંત પરમાર ઉર્ફે બાબુભાઇ અને દસરથસિંહ નામના માણસો લીઝ બાબતે વાત કરવા માટે ભૂસ્તરશાસ્ત્રી જગદીશકુમાર સેમાભાઈ વાઢેર પાસે આવ્યા હતા અને બાદમાં અચાનક જ જામનગરનો શામત કરમુર પણ ભૂસ્તરશાસ્ત્રીની ઓફિસમાં ઘુસી ગયો હતો જેથી જે.એસ.વાઢેરે કહ્યું હતું કે, તમે કેમ આવ્યા છો ? તો શામત કરમુરે કહ્યું હતું કે, હું પણ આ લીઝ માટે જ વાત કરવા આવ્યો છું. જેથી ભૂસ્તરશાસ્ત્રીએ તેઓને ઓફિસમાંથી બહાર નીકળી જવા કહેતા આ શખ્સ ઉશેકરાઈ ગયો હતો અને જોઈ લેવાની ધમકી આપતા કહ્યું હતું કે, હું એકલો ક્યાં ખનન કરું છું, અડધું ગામ ખનીજ ચોરી કરે છે અને તમે પણ ક્યાં દુધે ધોયેલા છો ?વધુમાં જ્યાં જિલ્લા સમાહર્તા અને જિલ્લાના રાજા બેસે છે તેવા જિલ્લા સેવા સદનમાં આવેલ ખાણખનીજની ઓફિસમાં ઘુસી ખનીજ માફિયાએ હંગામો મચાવી ખુલ્લે આમ ભૂસ્તરશાસ્ત્રીને જોઈ લેવા અને જાનથી મારી નાખવા ધમકી આપતા તાકીદે ઓફિસમાં રહેલા સિક્યુરિટી ગાર્ડને બોલાવી જામનગરના શામત કરમુરને કચેરી બહાર બેસાડી દેવામાં આવ્યો હતો જ્યાં પણ બેફામ ગાળાગાળી કરતા અંતે પોલીસને બોલાવી શામતને પોલીસ હવાલે કરી સમગ્ર મામલે ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ સેમાભાઈ વાઢેરે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.