ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં સિટી બસ સેવા આપવા માટે ખાનગી કોન્ટ્રાકટરો નિરુત્સાહ મોરબી : શહેરી વિસ્તારમાં લોકો જાહેર ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ કરે તે માટે કેન્દ્ર સરકાર દેશભરમાં ઇલેક્ટ્રિક અને સીએનજી સીટી બસનો વ્યાપ વધારવા લખલૂટ ખર્ચ કરી રહી છે તેવામાં વિશ્વના બીજા નંબરના સીરામીક ટાઇલ્સ ઉત્પાદક શહેર મોરબીમાં નગરપાલિકા બાદ મહાનગર પાલિકા પણ નાગરિકોને સીટી બસ સેવા આપવામાં વામણું પુરવાર થયું હોવાનું સામે આવ્યું છે. મોરબી શહેરને કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ દોઢ વર્ષથી માત્ર બે સીટી બસ રગડ-ધગડ દોડી રહી છે જેમાં પણ છેલ્લા 20 દિવસથી બન્ને બસ ખોટવાઈ જતા લોકો મોંઘા રિક્ષાભાડા ખર્ચવા મજબુર બન્યા હોવાનું સામે આવ્યું છે.સીરામીક નગરી મોરબીમાં નગરપાલિકા સમયથી સીટી બસ સેવા વિવાદમાં ઘેરાયેલી રહ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળવા છતાં નાગરિકોને શહેરી વિસ્તારમાં પરિવહન અંતે અન્ય મોટા શહેરો જેવી સીટી બસની સુવિધા મળી શકી નથી. મહાનગર પાલિક દ્વારા વર્ષ 2015માં નગરપાલિકાએ વસાવેલી ત્રણ સીટી બસ મારફતે નામ પૂરતી સીટી બસ સેવા ચલાવવામાં આવે છે જેમાં ગાંધીચોકથી લજાઈ એમ એક રૂટ પર જ સીટી બસ સેવા દોડે છે જેમાં એક બસ ખખડધજ બની ગઈ હોવાથી માત્ર બે બસ દ્વારા જ આ બન્ને રૂટ પર લોકોને સસ્તા ભાડામાં મુસાફરીની સવલત મળતી હતી.જો કે,છેલ્લા 20 દિવસથી બન્ને બસ ખોટકાઈ જવાથી હાલમાં સીટી બસ સેવા સંપૂર્ણ બંધ હોવાનું સામે આવ્યું છે.હાલમાં સીટી બસ સેવા બંધ હોવાથી લોકોને ફરજીયાત પણે મોંઘા રિક્ષાએ ભાડા ખર્ચવા પડી રહ્યા છે.બન્ને સીટી બસ રીપેરીંગમાં મુકવામાં આવી છે : ટ્રાન્સપોર્ટ વિભાગ મોરબી મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી જય માકડિયાએ જણાવ્યું હતું કે, બન્ને સીટી બસ રીપેરીંગમાં આપવામાં આવી હોવાથી 20 દિવસથી સીટી બસ સેવા બંધ છે. તેમને ઉમેર્યું હતું કે, કોર્પોરેશન દ્વારા અગાઉ ત્રણ વખત સીટી બસ સેવા સંચાલન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે પરંતુ કોઈ કોન્ટ્રાકટર સીટી બસ સેવા માટે આગળ આવ્યા ન હોય હવે ટૂંક સમયમાં ચોથો પ્રયત્ન કરવામાં આવશે.30 સિટી બસ ચલાવવા ટુંક સમયમાં નવું ટેન્ડર પ્રક્રિયા મોરબી શહેરને કોર્પોરેશનનો દરજ્જો મળતા હાલમાં શનાળા, વાવડી, ભડીયાદ, ત્રાજપર, મહેન્દ્રનગર અને રવાપર સહિતની ગ્રામ પંચાયતો શહેરી વિસ્તારમાં ભળી ગઈ છે ત્યારે શહેરીજનોને આવાગમન માટે સસ્તા ભાડાની સુવિધા મળે ઉપરાંત શહેરી વિસ્તરમાં પ્રદુષણ ઘટે અને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થાય તે માટે કોર્પોરેશન દ્વારા 30 સીએનજી બસ ચલાવવા માટે પણ તૈયારી શરૂ કરી હોવાનું અને ટૂંક સમયમાં જ ટેન્સર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.સીટી બસના અભાવે નજીકની જગ્યાએ જવા માટે પણ મોંઘા ભાડા ચુકવવા પડે છે : ગૃહિણી મોરબીમાં રહેતા ભાવનાબેન વ્યાસે જણાવ્યું હતું કે,રાજકોટ, જામનગર અને અમદાવાદ જેવા શહેરોમાં લોકો સસ્તા ભાડામાં શહેરી વિસ્તારમાં મુસાફરી કરી શકે છે જેમાં ખાસ કરીને સિનિયર સિટિજનોને કન્સેશન સહિતના લાભ મળે છે પરંતુ મોરબી જેવા શહેરમાં સીટી બસ સેવા ઉપલબ્ધ ન હોય લોકોને કાં તો પોતાનું વાહન વસાવવું પડે છે અથવા તો નજીકની જગ્યાએ જવા માટે પણ મોંઘુ ભાડું ચૂકવવું પડે છે. સાથે જ પોતાનું વાહન લઈને નીકળવામાં પણ શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન રહેતો હોવાનું તેમને જણાવ્યું હતું.