ધૂળ ખાતા સાધનોની તસવીરો ન લેવા-દેવા શાળાનાં આચાર્ય પર દબાણ! વાંકાનેર : વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે લાંબા સમયથી લાખોની કિંમતનાં જીમ સાધનો માત્ર ટ્રેનર ન હોવાને કારણે ધૂળ ખાઈ રહ્યા છે. જેને કારણે સાધનો હોવા છતાં શહેરીજનો લાભથી વંચિત રહે છે. કહેવાય છે કે ગુજરાતી આરંભે શુરા પરંતુ અહીં જરા આ કહેવત વિશે કહેવું હોય તો સરકારી તંત્ર આરંભે શૂરૂ! તેમ કહી શકાય કારણ કે, લાંબા સમયથી અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે લાખોનાં જીમ સાધનો માત્ર ટ્રેનર ન હોવાને કારણે ધૂળ ખાઈ રહ્યા છે. વાંકાનેરનાં શહેરીજનો શારીરિક ફિટનેસ જાળવી શકે તે માટે અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે લાંબો સમય પહેલાં જીમ સેન્ટર શરૂ તો કરી દેવાયું, જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પરંતુ માત્ર ઉદઘાટન બાદ આ જીમ શરૂ જ ન થયું! જેના કારણમાં અહીં જીમમાં ટ્રેનરનો પગાર કોણ ચૂકવે તે બાબતે અવઢવ સર્જાઈ હોય હજુ સુધી અહીં કોઈ જીમ ટ્રેનરની નિમણુંક કરવામાં આવી નથી. આથી લાખો રૃપિયાનાં જીમ સાધનો લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે. આ બાબતે શાળાનાં આચાર્યનો સંપર્ક સાધતા ધૂળ ખાઈ રહેલા લાખોનાં જીમ સાધનોની તસવીરો ન લેવા વિનંતી કરી હતી! આમ શાળાનાં આચાર્ય ઉપર પણ દબાણ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો! જો કે, જે કઈ કારણ હોય વહેલી તકે આ જીમ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.