નવલખી બંદરે 10 નંબરનું સિગ્નલ યથાવત : વધુ 100 લોકોના સ્થળાંતરણ સાથે કુલ 1250 લોકોને સુરક્ષિત આશ્રય અપાયો મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડા બિપરજોયના કાઉન્ટડાઉન વચ્ચે સ્થળાંતરણ પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે, માળીયા તાલુકામાં આજે પણ સવારથી મામલતદાર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સ્થળાંતરણ કરાવાયું હતું જેમાં શ્રીરામ સોલ્ટના 100 લોકોને મોટીબરાર સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. બીજીતરફ મોરબી મુકામ કરનાર રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ આજે સવારે કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બાદમાં તેઓ માળીયા તાલુકાની જાત મુલાકાત માટે રવાના થયા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું અતિ ભયાનક બનીને કચ્છના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહ્યું હોય મોરબી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવાઝોડું ખાનાખરાબી સર્જે તેમ હોય તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી દરિયાકાંઠાના લોકોનું ગઈકાલથી સલામત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે આજે સવારે માળીયા મામલતદાર દ્વારા સ્થળાંતરણ પ્રક્રિયા તેજ બનાવી માળીયા નજીક આવેલ શ્રીરામ સોલ્ટ ફેકટરીના 100 લોકોને મોટીબરાર સ્કૂલમાં આશ્રય આપી ખાવાપીવાની વ્યવસ્થા કરાવી હતી આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1250 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ વાવાઝોડા બિપરજોયને કારણે આજે પણ મોરબી જિલ્લામાં તેજ ગતિએ પવન ફૂંકાવાનું ચાલુ રહેતા નવલખી બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. આ સાથે જ વાવાઝોડાને પગલે મોરબી મુકામ કરનાર રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ સવારના સમયે મોરબી કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કર્યા બાદ માળિયા તાલુકાના સરવડ ગામની મુલાકાતે રવાના થયા હોવાનું જાણવા મળે છે.