રોજિંદા અડધી રાત્રીના પાવરકાપ મામલે વિજતંત્રના ઉડાવ જવાબો મોરબીની લાઈટ કંમ્પ્લેઇન બાબતે રાજકોટ ફોન કરવાનું વાહિયાત સૂચન મોરબી: શહેરના રવાપર રોડ સ્થિત સોસાયટીઓમાં છેલ્લા 2 દિવસથી રાત્રે ત્રણ-ચાર કલાક પાવર કટ કરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. કોઈ આગોતરી જાણકારી વગર રાત્રે 11:30થી 1:30 દરમ્યાન વીજળી ગુલ થઈ જતા સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરીમાં ફોન કરતા રાજકોટ કંમ્પ્લેઇન કરવાના વાહિયાત જવાબો અપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવાપર રોડ સ્થિત સહયોગ સોસાયટી, શાસ્ત્રીનગર, ગોકુલ નગર સહિતની સોસાયટીઓમાં છેલ્લા બે દિવસથી રાત્રે 11:30થી 1:30 દરમ્યાન અચાનક વીજળી ગુલ થઈ જતી હોવાથી સ્થાનિકોએ આની ફરિયાદ માટે આ વિસ્તારને લાગુ પીજીવીસીએલ કચેરીમાં ફોન કરતા અન્ય મોબાઈલ નંબર આપીને ખો આપવાનો પ્રયાસ થયો હતો. કચેરીમાંથી આપેલ મોબાઈલ નંબર પર ફરિયાદકર્તાએ ફોન કરતા એ નંબર નો રીપ્લાય આવતા ફરીવાર ફોન કરતા રાજકોટ ફોન લગાવવાની વાહિયાત સૂચના આપવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. ઉનાળો બેસી ગયો છે ત્યારે નાગરિકો પંખા-કુલર, એસી. વિના ન રહી શકે એવી ગરમી પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા સંજોગોમાં ઉનાળાની રાત્રીએ અચાનક વીજળી ગુલ થઈ જતા મહિલાઓ, વૃદ્ધો, બાળકો, બીમાર નાગરિકો પરેશાન થઈ રહ્યા હોય ત્યારે વીજતંત્રની એકબીજાને ખો આપવાની મનોવૃત્તિથી લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.