છુટા છવાયા વિસ્તારમાં ગાજવીજ સાથેના માવઠાથી ઉનાળુ વાવેતરને નુકસાની થવાની શકયતા ટંકારા : હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં ભરઉનાળે માવઠું પડવાની આગાહી ટંકારા પંથકના હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. તેઓએ આગાહી કરી છે કે આગામી તા.5થી 11 મે દરમિયાન માવઠું પડી શકે છે.ટંકારાના નેસડા (ખાનપર) ગામના હવામાન નિષ્ણાંત કિશોરભાઈ ભાડજાએ આગાહી કરતા જણાવ્યું હતું કે વૈશાખ મહિનામા ભરણી નક્ષત્રમા માવઠાની શકયતા છે. જે ચૈત્ર મહિનામાં તા.27-4-2025 રવિવાર સમય 19:11મિનિટ સૂર્ય નક્ષત્ર ભરણીમા બેઠું છે અને વૈશાખ સુદ ચૌદશ તા.11-5-2025 રવિવાર સમય 13:19 મિનિટ સૂર્ય નક્ષત્ર ક્રુતિકામાં બેસે છે. તે જોતા આગામી તારીખ 5 મે થી 11 મેના દિવસોમાં માવઠાની શકયતાઓ દેખાઈ છે. સૂર્ય નક્ષત્ર ભરણી અડધેથી ઉતરતા અને સૂર્ય નક્ષત્ર ક્રુતિકા બેસતા છુટા છવાયા ગુજરાતના વિસ્તારમાં તોફાની ગાજવીજ સાથે માવઠું આવશે. ઉનાળુ વાવેતરને માવઠાથી નુકસાની થવાની શકયતા છે. જે જોતા ખેડુતભાઇઓએ આગોતરૂ આયોજન કરવા હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજા મો.નં.9586590601ની યાદીમાં જણાવાયું છે.