ટંકારા : ટંકારામાં આગામી તારીખ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ આર્ય સમાજ ટંકારાનો શતાબ્દી મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવને લઈને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ સંદેશ પાઠવ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, ઋષિ-મુનિઓની પાવન તપોભૂમિ ટંકારા ખાતે સ્થિત આર્ય સમાજ ટંકારા દ્વારા આયોજિત શતાબ્દી મહોત્સવ અત્યંત આનંદ, ઉત્સાહ અને ગૌરવનો વિષય છે. આ ઐતિહાસિક અવસર પર હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ જાણીને વિશેષ આનંદ થાય છે કે, આર્ય સમાજ ટંકારાની સ્થાપના સ્વામી શ્રદ્ધાનંદજી, મહાત્મા નારાયણ સ્વામીજી અને સ્વામી શંકરાનંદજી જેવા મહાન, ત્યાગી તથા યુગદ્રષ્ટા સંતોના કરકમળોથી થઈ હતી. આ સંસ્થા પોતાની સ્થાપનાથી જ વૈદિક મૂલ્યો, સામાજિક સુધારણા તથા રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સતત સક્રિય રહી છે.મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતીના અવસર પર આયોજિત કાર્યક્રમોની અભૂતપૂર્વ સફળતામાં આર્ય સમાજ ટંકારાના સમર્પિત કાર્યકર્તાઓનું યોગદાન અત્યંત પ્રશંસનીય રહ્યું છે. આ સંસ્થા આજે પણ વૈદિક વિચારધારાના પ્રચાર-પ્રસાર દ્વારા સમાજને જાગૃત કરવાનો મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવી રહી છે.વધુમાં રાજ્યપાલે જણાવ્યું કે, હું આર્ય સમાજ ટંકારાના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા સહયોગીઓને આ શતાબ્દી મહોત્સવની હાર્દિક વધાઈ અને શુભેચ્છાઓ પાઠવું છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે આર્ય સમાજ ટંકારા ભવિષ્યમાં પણ મહર્ષિ દયાનંદજીના સિદ્ધાંતોને જન-જન સુધી પહોંચાડતા સમાજ અને રાષ્ટ્રના ઉન્નતિમાં સતત યોગદાન આપતો રહેશે. આ મંગલકામનાઓ સાથે આર્ય સમાજ ટંકારાને શતાબ્દી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.