તાલુકા પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી મોરબી : મોરબીના વેપારીએ ગઈકાલે આપઘાત કરી લીધો હતો. આ બનાવના કારણ અંગે હજુ રહસ્યના આટાપાટા સર્જાયા છે. વેપારીએ આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત કરી લીધાના તારણ સાથે આ બનાવ અંગે તાલુકા પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરવાસમાં આવેલા લોહાણાપરા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વેપારી સંજયભાઈ બચુભાઈ કારીયાએ ગઈકાલે તા. 24ના રોજ અમરેલી ગામની સીમ ખાખરાવાળી મેલડીમાંના મંદિર પાસે કોઈ કારણસર પાણીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું.બા દમાં વેપારીની લાશ બહાર કાઢીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ કરનાર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બારૈયાએ જણાવ્યું હતું કે, વેપારીના આપઘાતનો બનાવ ઘણો કોમ્પ્લીકેટેડ છે. હાલના તબક્કે વેપારીના આપઘાતના બનાવના કારણ અંગે કંઈ કહી શકાય એમ નથી. આજે સાંજ સુધીમાં તેમના પરિવારજનો આ બનાવની ફરિયાદ નોંધાવ્યા બાદ બનાવનું કારણ સ્પષ્ટ થશે. તેમ તેમણે જણાવ્યું હતું.