વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા વાંકાનેર, હળવદ અને ટંકારામાં પણ મેઘની પધરામણી મોરબી : મોરબીમાં ચોમાસુ બેસી ગયું હોય એમ આજે સવારથી જ મેઘાવી માહોલ સર્જાયાની વચ્ચે બપોરના સમયે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ધોધમાર વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા છે. માર્ગો ઉપર નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં છે. વરસાદને પગલે વાતાવરણ એકદમ ટાઢુંબોળ બની ગયું છે. મોરબીમાં આજે સવારથી વાતવરણમાં પલ્ટો આવ્યો હતો અને બપોરના 12 વાગ્યા સુધીમાં આકાશમાં વરસાદી માહોલ બંધાયો હતો. આકાશમાં કાળા ઘનઘોર વાદળોની જમાવટ વચ્ચે આજે બોપરના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદ શરૂ થતાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને માર્ગો નદીના વહેણ બની ગયા હતા. હાલ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. મોરબી પંથક ઉપરાંત જિલ્લામાં વાંકાનેર, હળવદ અને ટંકારામાં પણ મેઘ પધરામણીના વાવડ મળ્યા છે. જાણે ચોમાસુ બેસી ગયું હોય એમ વરસાદ એકરસ બનીને વરસી પડ્યો છે. વરસાદ પડતાંની સાથે છત્રી અને રેઇનકોટ યાદ આવ્યાં છે. હજુ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં આગોતરા વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે.