તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના ભત્રીજા પર પડોશીઓ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને કરાઈ હતી હત્યા ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે પડોશીઓ વચ્ચે જમીન માપણી અને શેઢાના વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેતરમાં માપણી કરી ખુંટા મારવાની નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા બે ભાઈઓએ કાકા-ભત્રીજા પર છરી વડે આડેધડ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તેવામાં આજે સવારે બન્ને મૃતકોની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા નીકળી હતી. મેઘપર ઝાલા ગામના અને ટંકારા તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ જયપાલસિંહ ઝાલા (ઉ.વ. 40) અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ઉ.વ. 22) ની ગઈકાલે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ. 48) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની બહેનના નામની આશરે 29.5 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે. 09 જૂન 2026 ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે તેઓ મોરબીના માપણી કરનાર કિર્તીભાઈ પટેલ સાથે જમીનની માપણી કરાવવા ગયા હતા. આ સમયે પાડોશી ખેતરના મહાવીરસિંહ અને તેજપાલસિંહને પણ બોલાવવામાં આવ્યા હતા. માપણી બાદ શેઢા પર ખુંટા મારવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મહાવીરસિંહ અને તેજપાલસિંહને આ બાબત પસંદ આવી ન હતી. બપોરે 4:00 વાગ્યાની આસપાસ બંને આરોપીઓ મોટરસાઇકલ પર ધસી આવ્યા હતા અને છરી વડે જયપાલસિંહ તથા હર્ષવર્ધનસિંહ પર તૂટી પડ્યા હતા. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ કાકા-ભત્રીજાને 108 એમ્બ્યુલન્સ મારફતે ટંકારાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ ભાસ્કર વિરસોડિયાએ બંનેને મૃત જાહેર કર્યા હતા.સ્થાનિકોના જણાવ્યા અનુસાર જયપાલસિંહ ઝાલા પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે જાણીતા હતા. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમની હત્યાના સમાચાર મળતાં જ સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય હોસ્પિટલે દોડી આવ્યા હતા. પીએમ અને પોલીસ કાર્યવાહી બાદ આજે સવારે મૃતકોના માદરે વતન મેઘપર ઝાલા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં મોરબી જિલ્લાના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.#MorbiUpdate #Tankara #MeghparJhala #DoubleMurder #CrimeNews #GujaratPolice #MorbiNews #GujaratiNews