ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણી અને શેઢાના નજીવી બાબતના વિવાદમાં કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકીને કરવામાં આવેલી નિર્મમ હત્યાના મામલે ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાનો સિકંજો મજબૂત કર્યો છે. પોલીસ દ્વારા બંને હુમલાખોર સગા ભાઈઓની ધરપકડ કર્યા બાદ, ગુના સંબંધી તમામ મહત્વના પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા કોર્ટે બંનેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.ગત ૦૯ જૂન ૨૦૨૬ ના રોજ બપોરે બનેલી આ લોહિયાળ ઘટના બાદ આરોપીઓ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને જોતા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ ઝાલા અને તેમની ટીમે તાત્કાલિક અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને મુખ્ય આરોપી ભાઈઓ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા) ને રાઉન્ડ-અપ કરી લીધા હતા.અટકાયત બાદ ટંકારા પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને ગુના કામે આરોપીઓની નિશાનદેહીના આધારે મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા છે. જેમાં ગુના આચરવા માટે ઉપયોગમાં લેવાયેલ તીક્ષ્ણ હથિયાર (છરી)., ઘટના સ્થળે આવવા અને ભાગી છૂટવા માટે વપરાયેલ મોટરસાયકલ, આરોપીઓના મોબાઈલ ફોન તથા ગુનાને પ્રસ્થાપિત કરતા અન્ય વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓનો સમાવેશ થાય છે. ટંકારા પોલીસ દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, એકત્રિત કરાયેલા હથિયાર, બાઈક અને મોબાઈલ સહિતના મજબૂત પુરાવાઓ સાથે બંને આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કસ્ટડી દરમિયાન ગુનાની કડીઓ જોડી દીધી હોવાથી અને પ્રાથમિક તપાસ પૂર્ણ થતાં, નામદાર કોર્ટે બંને આરોપી ભાઈઓને જેલહવાલે (જ્યુડિશિયલ કસ્ટડી) કરવાનો આદેશ ફરમાવ્યો છે.8