ટંકારા અને વાંકાનેરમાં સટાસટી બોલાવી મોરબી : મોરબીમાં સાંજે છ વાગ્યાના અરસામાં મેઘરાજાએ રમઝટ બોલાવી વીસેક મિનિટમા જ પોણો ઈંચ જેટલું હેત વરસાવ્યું હતું, સાથે જ વાંકાનેર અને ટંકારામાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવ્યાના અહેવાલો મળી રહ્યા છે. ઓણસાલ મેઘરાજાએ લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી મેઘાવી માહોલ છવાયો છે ત્યારે આજે પણ દિવસભર ધૂપ છાવ વચ્ચે બફારો યથાવત રહ્યો હતો અને સાંજે છ વાગ્યાના અરસામાં માત્ર પંદર મિનિટમાં જ પોણો ઈંચ જેટલું હેત વરસાવ્યું હતું. મોરબીમાં સાંજે છએક વાગ્યાની આસપાસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, અડધો પોણો કલાક સુધી મેઘરાજાએ રમઝટ બોલાવતા ચોતરફ પાણી-પાણી થઈ ગયું હતું. અને ઠેરઠેર પાણી ભરાયા હતા. આજે સાંજે 4 થી 6 દરમિયાન મોરબી નગરપાલિકામાં શહેરનો 18 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ પડયાનું સતાવાર રીતે નોંધાયું હતું. જયારે વાંકાનેર અને ટંકારામાં મેઘરાજાએ સટાસટી બોલાવ્યાના અહેવાલો મળી રહ્યા છે. જોકે મેઘરાજાએ T20 બેટિંગ કરી થોડી જ વારમાં વિરામ લઈ લેતા લોકો અને ખાસ કરીને ખેડૂતો નિરાશ થયા હતા. કારણ કે મોરબી જિલ્લામાં જરૂરિયાત મુજબનો હજુ વરસાદ પડ્યો નથી. અને ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..