મોરબી : મોસમના પ્રથમ વરસાદે જ પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી રહી હોય તેમ મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગઈકાલે સોમવારે સાંજે મોરબી પર મેઘરાજાએ હેત વરસાવતા એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જો કે માત્ર એક ઇંચ વરસાદમાં જ મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. ચોમાસાની શરૂઆત પહેલા પાલિકા તંત્રએ પ્રિમોન્સુન કામગીરી કરવાની હોય છે. ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા સબ સલામતની આલબેલ પણ પોકારવામાં આવી હતી. જો કે પુરા વર્ષ દરમ્યાન પણ મોરબીવાસીઓ ભુગર્ભ ગટર ઉભરાઈ જવાની સમસ્યાથી પીડાતા રહે છે. ત્યારે ગઈ કાલે વરસેલા માત્ર એક ઇંચ વરસાદમાં જ લાતીપ્લોટ 7 નંબરમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા લોકોના વાહનોમાં પાણી ઘુસી જતા અનેકના વાહનો બંધ પડી ગયા હતા. જો એકસાથે વધુ વરસાદ વરસે તો મોરબીના નીચાણવાળા વિસ્તારોની હાલત શું થશે એ વિચાર માત્રથી નગરજનો ચિતામાં મુકાઈ ગયા છે.