હળવદ : આગામી તારીખ 28 ડિસેમ્બર ને શનિવારના રોજ સવારે 8 થી સાંજે 5 કલાક સુધી હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલ ખાતે સાંદિપની મેગા ફેસ્ટ 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 1000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 150 થી વધુ ગણિત, વિજ્ઞાન, આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ તથા સામાજિક જાગૃતિ માટેના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે.સ્કૂલમાં પધારેલા વિદ્યાર્થીઓ માટે 3-D ફિલ્મ શો. જેમાં ચંદ્રયાન-આકાશ દર્શન- ડાયનાસોર તથા શાર્કનું મજેદાર પ્રદર્શન દેખાડવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા 50 થી વધુ ફન-ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. સાંદિપની ફૂડ-ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા 100 થી વધુ સ્વાદિષ્ટ- મજેદાર વાનગીઓ હશે જેનો સ્વાદ માણવો તે પણ એક લ્હાવો છે. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા માટીમાંથી બનાવેલ જુદી-જુદી વસ્તુઓ પણ ખરીદી માટે ઉપલબ્ધ છે. સાંદિપની સ્કૂલના ભૂલકાઓ દ્વારા તૈયાર કરેલ “કિડ્સ સિટી” નું પ્રદર્શન પણ નિહાળી શકાશે. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા “લાઇવ મ્યુઝીક બેન્ડ” સવારે 8 વાગ્યાથી સતત સંગીત પીરસવામાં આવશે. રામજીભાઈ જાકાસણીયા જેમની યુ-ટ્યુબ ચેનલ “રામજીદાદાની નિશાળ' વિજ્ઞાન- ગણિતના પ્રયોગો માટે પ્રખ્યાત છે. તેમના દ્વારા તૈયાર કરાયેલી વિજ્ઞાન-ગણિતની 40 થી વધુ કૃતિઓને વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. ઉપરોક્ત “મેગા-ફેસ્ટ' કાર્યક્રમ નિહાળવા માટે હળવદની શિક્ષણ પ્રેમી જનતાને પરિવાર સહિત પધારવા આમંત્રણ પાઠવાયું છે.