રેવન્યુ વિભાગ મામલતદાર સહિતની ટીમ અને બી ડિવિઝન પોલીસની ટીમે ગેરકાયદે મકાનો, ભંગારના ડેલા, કેબીનો સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દીધુંમોરબી : મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસેની જગ્યામાં નવું ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી મળતા આ ફાયર સ્ટેશન બનાવવા માટે ત્યાં અડચણરૂપ સામાન્ય પરિવસરો 66 લોકોના 30 વધુ મકાનો તેમજ ભંગારના ડેલા, કેબીનો સહિતના દબાણો દૂર કરવાની નોટિસ આપ્યા બાદ પણ આ દબાણો યથાવત રહેતા રેવન્યુ વિભાગના મામલતદાર સહિતની ટીમ અને બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આ તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને ફાયર સ્ટેશન બનાવવા માટેની જગ્યા ખુલ્લી કરી દીધી હતી.મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે સરકાર અને નગરપાલિકા તંત્ર દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પણ ફાયર સ્ટેશન બનાવવા માટે સર્કિટ હાઉસ પાસે ભારતનગર મફતીયાપરામાં 30 જેટલા મકાનો, કેબીનો, ભંગારના ડેલા સહિતના ભારે દબાણો હોય તંત્ર દ્વારા આ તમામ દબાણકારોને દબાણો દૂર કરવાની અગાઉ નોટિસ ફટકારી હતી. આમ છતાં દબાણો ન હટતા આજે મોરબી રેવન્યુ વિભાગના મામલતદાર નિખિલ મહેતા, પાલિકાની ટીમ અને બી ડિવિઝન દ્વારા તે સ્થળે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે બી ડિવિઝન પીઆઇ દેકાવડીયાએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ ફાયર સ્ટેશન બનાવની મંજૂરી મળી હોય પણ ત્યાં મકાનો સહિતના ગેરકાયદે દબાણો હોવાથી નોટિસ આપતા ઘણા દબાણકારો અગાઉથી હટી ગયા હતા. પણ મકાનો સહિતના ઘણા દબાણો હજુ ખડકાયેલા હોવાથી પોલીસની સુરક્ષા વચ્ચે આ તમામ દબાણો હટાવી દેવાયા હતા. જેમાં 25 કાચા મકાનો, 10 કોમર્શિયલ ભંગાર, મંદિરો, સહિતના મળી 40 જેટલા દબાણો હટાવીને ફાયર સ્ટેશન બનાવવા માટેની 9970 ચોરસ મીટર જમીનની જગ્યા ખુલી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આ જગ્યાએ 30 મકાનોમાં રહેતા 66 જેટલા લોકોએ અગાઉ કલેકટરને રજુઆત પણ કરી હતી. મફતિયાપરા ભારતનગર જુના મહેન્દ્રનગરના હદ વિસ્તારમાં હાલ મોરબી નગરપાલીકા તંત્ર અને સરકાર દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે તેમના મકાનો અવરોધરૂપ હોવાથી તંત્રએ આ મકાનો ખાલી નહિ કરે તો મકાનોનું ડીમોલેશન કરવાની નોટિસ ફટકારી હતી પણ આ ગરીબ લોકો બક્ષીપંચ તથા અન્ય સમાજ લાભાર્થી કેટેગરીના હોય તમામ લોકોના મકાનોને ડીમોલેશન કરવાની નોટિસ આપવામાં આવેલ હોય પહેલા આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ દબાણો દૂર કરો એવી વિનવણી કરવા છતાં આજે ડીમોલેશન કરતા આ સામાન્ય પરિવારો બેઘર બની ગયા હોવાનો વસવસો સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.