મોરબી અપડેટ : મોરબીમાં નેશનલ હાઈવે બાયપાસ માટે જમીન સંપાદનની કાર્યવાહી અંગે આજે ગાળા, કેરાળા, જસમતગઢ, સાપર, નીચી માંડલ, આંદરણા, ખરેડા, વાંકડા અને જીવાપર (ચકમપર) ગામના ખેડૂત પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી પ્રાંત અધિકારી, સંપાદન અધિકારી તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં ખેડૂતો દ્વારા જમીન સંપાદન, વળતર સહિતના વિવિધ પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.પરંતુ, ખેડૂતોના પ્રશ્નો અને વળતર બાબતે કોઈ નક્કર નિરાકરણ ન આવતા બેઠક નિષ્ફળ રહી હતી. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂત પ્રતિનિધિઓએ જ્યાં સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ અને સંતોષકારક વળતર નહીં મળે ત્યાં સુધી જમીન સંપાદનની કામગીરી આગળ ન વધારવા કડક શબ્દોમાં ના પાડી દીધી હતી. આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.