પગપાળા ચાલીને હજારો કિમિની યાત્રા ખેડવા કેટલી યાતનાઓ ભોગવવી પડશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ 'જાગ્યા ત્યારથી સવાર' : વતનમાં જવાની જીદે ભરાયેલા મજૂરોને ઉદ્યોગકારો અને તંત્રએ અટકાવવા જરૂરી મોરબી : હાલની લોકડાઉનની સ્થિતિમાં રોજે રોજનું કમાઈને ખાતા મજૂરો ઉપર સંકટના વાદળો ઘેરાતા તેઓએ પોતાના વતનની વાટ પકડી છે. જો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ હોય આ મજૂરો પગપાળા ચાલીને હજારો કિલોમીટરનો રસ્તો કાપવા નીકળી પડ્યા છે. ત્યારે આ મજૂરોને વતન પહોંચતા પહેલા કેટલી યાતનાઓ ભોગવવી પડશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. મોરબીમાં પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ અર્થે અહીં રહે છે. જેમાંથી સેકડોની સંખ્યામાં મોરબીમાંથી મજૂરોનું પગપાળા ચાલીને પલાયન થયું છે. હાલની પરિસ્થિતિ જોઈને તો સ્પષ્ટ જણાઈ આવે છે કે મોરબીનું તંત્ર અને ઉદ્યોગકારો આ મજૂરોના પલાયનને રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. કોરોનાના કહેરને નાથવા માટે સરકારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન અમલમાં મૂક્યું છે. જેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ ધંધાઓ અને રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે મોટા પ્રમાણમાં ધંધા, રોજગાર તથા સેવાઓ બંધ થતાં મોરબી પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં વસતા પરપ્રાંતીયો તેમજ રાજ્યના પછાત વિસ્તારના લોકોમાં મોટું આર્થિક સંકટ ઉભું થયું છે. કારણકે તેઓ રોજેરોજનું કમાઈને ખાતા હોય તેઓ માટે આ લોકડાઉનમાં એક ટંકનું ભોજન ખાવાના પણ ફાંફા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વધુમાં જેના પર આર્થિક સંકટ ન હતું તેવા પરપ્રાંતીયો આવી વિપરીત પરિસ્થિતિમાં પોતાના પરિવારથી દુર હોવાની ચિંતામાં ગરક થયા છે. આ બધા કારણોસર મોટાભાગના શ્રમિક વર્ગના લોકોએ પોતાના વતન તરફ હિજરત કરવાનો નીર્ધાર કર્યો છે. હાલ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હોય સેંકડોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ચાલીને પોતાના વતન જવા નિકળી પણ ગયા છે. હાલની કોરોનો વાયરસની જોખમી સ્થિતિમાં સ્થળાંતર કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે જોખમી બની જાય છે. વધુમાં આ શ્રમિકો પગપાળા ચાલીને હજારો કિમીની યાત્રાઓ ખેડવાના છે તો તેઓને અનેક યાતનાઓનો સામનો પણ કરવો પડશે તે નક્કી છે. હાલમાં રાજકોટ પોલીસે બહારના રાજ્યોમાંથી મજૂરી કરવા આવેલા પરિવારોને વતન પરત પહોંચાડવા બેટી રામપરા ગામ ખાતે એક કેમ્પ બનાવ્યો છે. જ્યાં તંત્ર દ્વારા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે બાદમાં જે તે રાજ્યના લોકોને તેના રાજ્યની બોર્ડર સુધી પહોંચાડવામાં આવે છે. ગઈકાલે તો રાજકોટ પોલીસે શ્રમિકોને જમાડીને તેના વતન પહોંચાડવા માટે વાહનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દીધી હતી. તો ઘટના બાદ એવી પણ માંગ ઉઠી છે કે મોરબીમાં પણ તંત્રએ આ પ્રકારના પગલાં લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે મોરબી પંથકમાંથી ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના વતન પહોંચવા ચાલીને નીકળી પડયા છે. જેને અટકાવવામાં મોરબીનું તંત્ર અને ઉદ્યોગકારો નિષ્ફળ પુરવાર થયા હોય તેવું લાગે છે જે કડવું સત્ય છે. જો કે જાગ્યા ત્યારથી સવાર માટે હજુ પણ સમય ગયો નથી. ઉદ્યોગકારો અને તંત્રએ મળીને આ શ્રમિકોને સમજાવીને તેઓને મદદરૂપ થઈને અહીં જ રહેવા માટે મનાવવા જોઈએ. પોલીસે ઔદ્યોગિક વિસ્તારોના મુખ્ય રસ્તાઓ ઉપર બંદોબસ્ત મુકવો જોઈએ : સિરામિક એસોસિએશન મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા સાથે 'મોરબી અપડેટે' વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તંત્રની સૂચના મુજબ તમામ ઉદ્યોગકારોને કહેવામાં આવ્યું હતું કે તેઓની ફેકટરીમાં કામ કરતા શ્રમિકો ક્યાંય બહાર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. વધુમાં ઉદ્યોગકારો લોકડાઉનની સ્થિતિમાં કારખાનામાં જઈ શકતા ન હોય શ્રમિકો વતન જવાની જીદ પકડીને સિક્યુરિટી સાથે ઝઘડીને અથવા તો દીવાલો ઠેંકીને નીકળી રહ્યા છે. વધુમાં સીરામીક એસોસિએશનએ એક સૂચન આપતા જણાવ્યું કે પોલીસે ઔદ્યોગિક વિસ્તારોના મુખ્ય રસ્તાઓ ઉપર બંદોબસ્ત મુકવો જોઈએ અને જીદ પકડીને જતા મજૂરોને અટકાવવા જોઈએ. ખાસ કરીને લીઓલી પાસે કંડલા હાઇવે, જેતપર પુલ પાસે, બીસેરો - માંડલ રોડ -હળવદ રોડ, સરતાનપર થી માટેલ જતા માટેલ ચોકડી અને ટોલનાકા વાંકાનેર પાસે આ પાંચ જગ્યાએ રોડ બ્લોક કરવામાં આવે જેથી મજુરોની હિજરત રોકી શકાય. વાંકાનેરના સેવાભાવીઓ મજૂરોની વહારે આવ્યા વાંકાનેર(હરદેવસિંહ ઝાલા) : વાંકાનેરના ચાવડા ગીરીરાજસિંહ તેમજ હરેન્દ્રસિંહ ઝાલાને થતા પોતાની સેવાભાવી મનોવૃત્તિ થી ભૂખ્યા લોકોને સેવા માટે તાત્કાલિક બટાકાનું શાક ખીચડી અને સુકા નાસ્તાની વ્યવસ્થા કરી આપી તેમજ વાંકાનેર બાઉન્ટરી સુધી તેમના વાહનો દ્વારા આ મજુર લોકોને પહોંચાડવામાં આવ્યા. જ્યાં ચોટીલાના સેવાભાવીઓ આવી પહોંચ્યા હતા અને આ મજૂરોને લીંબડી તેમજ અમદાવાદ સુધી જતાં અન્ય વાહનોમાં બેસાડી મદદ કરવામાં આવેલ. શું મોરબીના સિરામિક ઉદ્યોગકારો એટલા માનવતાવાદી નથી કે તેમની ફેક્ટરી પર કામ કરતા મજૂરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે મદદરૂપ થઈ શકે? વાહન વ્યવસ્થા ન કરી શકે તો કાંઈ નહીં પરંતુ તેમના વતન સુધી પહોંચવા માટે તેમના માટે રાસન પાણીની વ્યવસ્થા તો કરી જ શકે!! હજુ પણ રફાળેશ્વર અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઘણા બધા મજૂરો છે જ ત્યારે ઉદ્યોગકારો અને તંત્ર હજુ પણ તેઓની સેવા કરી શકે છે.