બે પ્લાસ્ટિકના વિકેતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા તંત્રની ઝપટે ચડ્યા મોરબી : મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ છેડેચોક વેચાણ થતું હોવાની ફરિયાદ સંદર્ભે મોરબી પાલિકાની ટીમ આજે પ્લાસ્ટિકના વિક્રેતાઓને ત્યાં ત્રાટકી હતી. જેમાં બે પ્લાસ્ટિકના વિકેતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા તંત્રની ઝપટે ચડ્યા હતા. આથી તંત્રએ બન્ને પાસેથી 200 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો. મોરબીમાં થોડા વર્ષો અગાઉ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ ઉપર તંત્રએ મનાઈ ફરમાવી દીધી હતી. આમ છતાં શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા નગરપાલિકાની ટીમ ફરી એક્શનમાં આવી હતી.જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સૂચનાથી સેનિટેનશન ઇન્સપેક્ટર હિતેશ રવેશિયા તથા સ્ટાફના મહેશભાઈ રબારી, રમેશભાઈ રબારી, શક્તિ રાઠોડ સહિતની ટીમ 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકને પકડવા માટે સાતથી આઠ સ્થળે ચેકિંગ કર્યું હતું. જેમાં રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાનજી પાસેના રોયલ પ્લાસ્ટિક અને કન્યા છાત્રાલય રોડ ઉપર ચામુંડા પ્લાસ્ટિક મળીને આ બન્ને સ્થળેથી 200 કિલો જેવા પ્લાસ્ટિકને પકડી બન્નેને 2-2 હજારનો દંડ ફટકાર્યો હતો.