મોરબી : હાલ કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન સ્વજનને કોરોનાના રોગને લીધે ગુમાવવા પડે ત્યારે પરિવારમાં ગમગીની છવાયેલી હોય તે સ્વાભાવિક છે. પરંતુ મોરબીના ડઢાણીયા પરિવારે કોરોનાના લીધે અવસાન પામેલ સ્વજનના સ્મરણાર્થે ઘરે-ઘરે જઈ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આથી, ટેસ્ટ માટે આવનાર જો કોરોના સંક્રમિત હોય તો તે સારવાર શરુ કરી શકે. મોરબી જિલ્લાના રહેવાસી ડઢાણીયા ખીમજીભાઇ સુંદરજીભાઇ કોરોના વાયરસના સંક્રમણના લીધે અવસાન પામ્યા હતા. આથી, તેમની સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા ગત તા. 15 અને 16ના રોજ ગામમાં દરેક ઘરમાં જઈને કોરોનાનો ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના સંક્રમિત લોકોનું નિદાન થયું હતું. આ સેવાકાર્ય માટે સદગતના પુત્ર ડઢાણીયા અશોકભાઇ, અણીયારી ગામના સરપંચ ડઢાણીયા દિપકભાઇ, ડો. દિપકભાઇ બાવરવા, ડઢાણીયા ભરતભાઇ તેમજ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આમ, ગામલોકોનો કોરોના ટેસ્ટ કરી કોવિડના ચેપને લીધે અંતિમ શ્વાસ લેનાર સદગતને પરિવારજનોએ સાર્થક શ્રદ્ધાંજલિ અર્પી હતી.