ક્રૂડ તેલના વાયદામાં રૂ.૨૧૦ તૂટ્યા: કોટનમાં રૂ.૧,૫૩૦નો કડાકો: કપાસ, રબર ઢીલાં: સીપીઓ, મેન્થા તેલમાં બેતરફી વધઘટ: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: બુલડેક્સ ફ્યુચર્સમાં ૩૫૧ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૪૦૦ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૯થી ૨૫ માર્ચના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વ્યાપક ઘટાડો થયો હતો. ગોલ્ડ-ગિનીનો વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨,૮૭૮ ગબડ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદામાં બેરલદીઠ રૂ.૨૧૦ તૂટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ગાંસડીદીઠ રૂ.૧,૫૩૦નો કડાકો બોલાયો હતો. કપાસ અને રબર ઢીલાં હતાં, જ્યારે સીપીઓ અને મેન્થા તેલમાં બેતરફી વધઘટ વાયદાના ભાવમાં રહી હતી. વિશ્વબજારની વાત કરીએ તો, સપ્તાહના અંતે આ લખાય છે ત્યારે ડોલર ઈન્ડેક્સ ૯૨.૮૦૫ના સ્તરે હતો. અમેરિકામાં બોન્ડ-ટ્રેઝરી યિલ્ડ ૧.૬૩ ટકાના સ્તરે હતું. સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનું ૧ ઔંશદીઠ ૧૭૨૧ ડોલર અને ચાંદી ૧ ઔંશદીઠ ૨૫.૧૧ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સામે ડબલ્યુટીઆઈ ક્રૂડ તેલ ૫૯.૦૬ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ તેલ ૬૨.૩૧ ડોલરના સ્તરે બોલાઈ રહ્યા હોવાના સમાચાર હતા. કરન્સી બજારમાં ડોલર રૂ.૭૨.૬૧, પાઉન્ડ રૂ.૯૯.૯૨ અને યુરો રૂ.૮૫.૫૪ના સ્તરે હતા. યુરો સામે ડોલર ઊછળીને ચાર મહિનાની ટોચે પહોંચતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ હતો. વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ ઊંચકાતાં સોનામાં ફંડવાળાની વેચવાલી નીકળી હતી. વિશ્વબજાર ઘટતાં તેના પગલે આયાત પડતર નીચી ઊતરતાં દેશમાં સોના-ચાંદીના હાજર બજારોમાં સપ્તાહના અંતે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરેલૂ બજારની વાત કરીએ તો, ગુરૂવારે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૪૪,૪૦૦ અને ૯૯.૯૦ના રૂ.૪૪,૬૦૦ બોલાઈ રહ્યા હતા, જ્યારે ચાંદીનો હાજર ભાવ કિલોદીઠ રૂ.૬૬ હજારની અંદર ઊતરી રૂ.૬૫,૫૦૦ બોલાયોે હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૯૨૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૫,૧૩૭ અને નીચામાં રૂ.૪૪,૫૯૦ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૨૫૬ (૦.૫૭ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૪,૬૯૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે જૂન વાયદો રૂ.૧૯૭ જેટલો ડાઊન હતો. ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૮ ગ્રામદીઠ રૂ.૧૮૮થી રૂ.૪૧૧ તૂટ્યા હતા. ગોલ્ડ-ગિનીનો માર્ચ વાયદો રૂ.૩૬,૦૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૧૧ (૧.૧૪ ટકા) તૂટીને રૂ.૩૫,૭૦૯ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો માર્ચ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫૨ (૧.૧૬ ટકા) ઘટ્યો હતો. સોનાનો મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૯૪૬ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૧૬ (૦.૪૮ ટકા) ઘટી રૂ.૪૪,૭૨૬ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૭,૧૩૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૭,૭૪૩ અને નીચામાં રૂ.૬૩,૪૧૧ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨,૮૭૮ (૪.૨૫ ટકા)ના કડાકા સાથે રૂ.૬૪,૮૬૯ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી જુલાઈ વાયદો રૂ.૨,૮૫૭ (૪.૧૬ ટકા) ગબડ્યો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૩૧૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૪,૩૮૭ અને નીચામાં ૧૪,૦૩૬ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૩૫૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૩૩ પોઈન્ટ (૧.૬૨ ટકા) ઘટીને ૧૪,૧૧૨ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૭૮૨ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૪૦૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૧૧ પોઈન્ટ (૦.૮૦ ટકા) ઘટીને ૧૩,૭૨૪ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં બેરલદીઠ રૂ.૨૧૦થી રૂ.૩૮૪ તૂટ્યા હતા. ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૪૨૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૫૧૬ અને નીચામાં રૂ.૪,૨૦૧ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૧૦ (૪.૭૦ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૪,૨૫૫ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૬.૫૦ (૩.૫૨ ટકા) વધી રૂ.૧૯૦.૯૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૬૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન નીચામાં રૂ.૧,૨૧૨ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૫૧ (૩.૯૯ ટકા) ઘટી રૂ.૧,૨૨૬.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૯૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં નીચામાં રૂ.૨૦,૩૧૦ને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧,૫૩૦ (૬.૯૮ ટકા)ના ગાબડાં સાથે રૂ.૨૦,૩૮૦ના સ્તરે બંધ થયો હતો. કોટનમાં રૂ.૧,૫૩૦થી રૂ.૧,૫૯૦ની રેન્જમાં ભાવ ઘટ્યા હતા. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો માર્ચ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૮૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬.૮૦ (૧.૫૩ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૧,૧૧૨.૩૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે એપ્રિલ વાયદો રૂ.૧,૦૫૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૩૦ (૦.૬૯ ટકા) ઘટી રૂ.૧,૦૫૬.૧૦ બોલાયો હતો.