બુલડેક્સ ફ્યુચર્સમાં ૪૧૪ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૨૦૯ પોઈન્ટની મૂવમેન્ટ: સોનાના વાયદાના ભાવમાં રૂ.૭૨ અને ચાંદીમાં રૂ.૨૨૦ની તેજી: ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા: કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક વૃદ્ધિ મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૬ માર્ચથી ૧ એપ્રિલના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૨ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૨૦ વધ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સેંકડા વધી આવ્યા હતા. નેચરલ ગેસ પણ વધીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૬૦૦નો સાપ્તાહિક ધોરણે ઉછાળો આવ્યો હતો. કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી. વિશ્ર્વબજારની વાત કરીએ તો, સપ્તાહના અંતે આ લખાય છે ત્યારે ડોલર ઈન્ડેક્સ ૯૨.૯૦ના સ્તરે હતો. અમેરિકામાં બોન્ડ-ટ્રેઝરી યિલ્ડ ૧.૬૭ ટકાના સ્તરે હતું. અમેરિકામાં જોબલેસ ક્લેઈમ્સ ૬.૮૦ લાખની અપેક્ષા સામે આગલા ૬.૫૮ લાખથી નોંધપાત્ર વધીને ૭.૧૯ લાખના સ્તરે પહોંચતાં ત્યાં જોબ માર્કેટ વિશે ફરી ચિંતા જન્મી છે. અમેરિકામાં નવા સ્ટિમ્યુલસ પેકેજ વચ્ચે ફુગાવો વધવાની ગણતરી વચ્ચે વિશ્ર્વબજારમાં સોનાના ભાવ સપ્તાહના અંતે ફરી ઉછળ્યા હતા. સરકારે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીની ગણતરી કરવા માટેના બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરિફ વેલ્યૂમાં સોનામાં ૧૦ ગ્રામદીઠ ૫૪૯ ડોલરથી ઘટાડી ૫૪૨ ડોલર અને ચાંદીમાં કિલોદીઠ ૮૨૧ ડોલરથી ઘટાડી ૭૮૪ ડોલરની કરી છે. આ ઉપરાંત સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૭૩.૩૫થી વધારી રૂ.૭૪.૧૫ કર્યા હોવાના સમાચાર પણ મળ્યા છે. સપ્તાહના અંતે વિશ્ર્વબજારમાં સોનું ૧ ઔંશદીઠ ૧૭૩૦ ડોલર અને ચાંદી ૧ ઔંશદીઠ ૨૫.૦૩ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સામે ડબલ્યુટીઆઈ ક્રૂડ તેલ ૬૧.૩૦ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ તેલ ૬૪.૬૭ ડોલરના સ્તરે બોલાઈ રહ્યા હોવાના સમાચાર હતા. કરન્સી બજારમાં ડોલર રૂ.૭૩.૩૩, પાઉન્ડ રૂ.૧૦૧.૫૧ અને યુરો રૂ.૮૬.૩૭ના સ્તરે હતા. વિશ્ર્વબજાર પાછળ ઘરેલૂ બજારમાં સપ્તાહના અંતે ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું, જેના પગલે સપ્તાહના અંતે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૪૬,૫૦૦ અને ૯૯.૯૦ના રૂ.૪૬,૭૦૦ બોલાઈ રહ્યા હતા, જ્યારે અમદાવાદ ખાતે ચાંદીનો હાજર ભાવ કિલોદીઠ રૂ.૬૫,૦૦૦ બોલાયા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૬૩૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૪,૮૬૫ અને નીચામાં રૂ.૪૩,૩૨૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૭૨ (૦.૧૬ ટકા) વધી રૂ.૪૪,૭૬૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો રૂ.૩૬,૦૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧૧ (૦.૩૧ ટકા) વધીને રૂ.૩૬,૧૯૫ અને ગોલ્ડ-પેટલનો એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૧૯ (૦.૪૨ ટકા) વધીને રૂ.૪,૫૦૬ થયો હતો. સોનાનો મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૬૫૨ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૩૧ (૦.૫૨ ટકા) વધી રૂ.૪૪,૯૫૭ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૪,૯૭૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૫,૨૪૪ અને નીચામાં રૂ.૬૨,૫૦૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨૨૦ (૦.૩૪ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૬૫,૦૮૯ના સ્તરે બંધ થયો હતો.સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૦૧૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૪,૧૯૩ અને નીચામાં ૧૩,૭૭૯ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૪૧૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૬૬ પોઈન્ટ (૦.૪૭ ટકા) વધીને ૧૪,૧૭૮ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો સપ્તાહ દરમિયાન ૨૦૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૫૪ પોઈન્ટ (૧.૧૨ ટકા) વધીને ૧૩,૮૭૮ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૨૮૪ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૫૩૪ અને નીચામાં રૂ.૪,૨૮૪ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૫૯ (૬.૦૯ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૪,૫૧૪ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૩.૩૦ (૧.૭૩ ટકા) વધી રૂ.૧૯૪.૨૦ થયો હતો.કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૮.૫૦ (૧.૫૧ ટકા) વધી રૂ.૧,૨૪૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે કપાસનો નવો શરૂ થયેલો એપ્રિલ-૨૨ વાયદો રૂ.૯ (૦.૭૬ ટકા) વધી રૂ.૧,૧૯૯ બોલાયો હતો. રૂ (કોટન)નો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૫૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં નીચામાં રૂ.૨૧,૬૬૦ને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૬૦૦ (૨.૯૦ ટકા)ના ઉછાળા સાથે રૂ.૨૧,૨૬૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો એપ્રિલ વાયદો સપ્તાહના અંતે ૧૦ કિલોદીઠ રૂ.૩૪.૨૦ (૩.૨૪ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૧,૦૯૦.૩૦ અને મેન્થા તેલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૫.૧૦ (૦.૫૩ ટકા) વધી રૂ.૯૬૨.૫૦ના સ્તરે બંધ થયા હતા.