રાજય સરકાર દ્વારા શાળા બનાવવા જમીનની ફાળવણી કરાઈ હતી પરંતુ ભુમાફિયાઓ દ્વારા દબાણ કરી જમીન પચાવવાનો કારસો રચ્યો હતો હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજય સરકાર દ્વારા ગામના વિદ્યાર્થીઓને ગામમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે શાળા બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ અમુક લેભાગુ ભૂમાફિયાઓ દ્વારા આ જમીન પર ગેરકાયદેસર કબજા કરી વાડાઓ બનાવી દીધા હોય જેને હટાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. હળવદ પંથકના મયુનગર ગામે ભુમાફિયાઓ દ્વારા શાળાને ફાળવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર વાડાઓ બાંધી લઈ જમીન પચાવવા કારસો રચ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા આખરે ભુમાફિયાઓ પર તવાઈ બોલાવી ભારે હોબાળા વચ્ચે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ વેળાએ ભુમાફિયાઓમાં ભારે કચવાટ જાવા મળ્યો હતો ત્યારે હળવદ મામલતદાર વી.કે.સોલંકી, નાયબ મામલતદાર શ્રી કણઝરીયા, સરપંચ મનસુખભાઈ મકવાણા, તલાટી મંત્રી એમ.એચ. ચૌધરી, મહેસુલ તલાટી મંત્રી કે.એસ.ઈલોરીયા સહિતનાઓ દ્વારા શાળાને ફાળવેલ સરકારી જમીન પર આશરે ૧૬ જેટલા વાડાઓ પર જેસીબી ફેરવી દઈ દબાણો દુર કરાયા હતા તે દરમિયાન ભુમાફિયાઓ દ્વારા થોડાક સમયાંતરે ભારે હોબાળો સર્જાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તંત્રની સતર્કતાને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે દબાણો દુર કરાયા હતા.