સભા પૂર્ણ થયા બાદ પત્રકારોએ સવાલો પૂછતાં કોઈ સંતોષકારક જવાબ ન મળી શક્યો, અધિનીયમ શુ છે તે વિશે પણ યુવા મેયર બોલી ન શક્યા, અંતે કમિશનરે બચાવમાં જવાબ દેવા આવવું પડ્યું મોરબી : મોરબી મહાનગરપાલિકામાં આજે મેયર દ્વારા પત્રકારોને બહાર કાઢીને સામાન્ય સભાને ખાનગી સભા બનાવી દેવામાં આવી હતી. આ મામલે સભા પૂર્ણ થયા બાદ મેયરને પત્રકારોએ પ્રશ્નો પૂછતાં એક પણ પ્રશ્નનો મેયર બરાબર રીતે જવાબ પણ આપી શક્યા ન હતા. તેઓએ ગોળ ગોળ વાતો કરીને મુદાને ફગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત તેઓએ અધિનીયમની વાત આડી મૂકી દેતા પત્રકારોએ અધિનીયમ વિશે પૂછતાં જ મેયર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેઓ પ્રશ્નોનો જવાબ આપવા સક્ષમ ન જણાતા મ્યુનિસિપલ કમિશનરે તેમના બચાવમાં આવું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે અત્યારે મહાપાલિકામાં તમામ 52 કોર્પોરેટર ભાજપના છે. વિપક્ષના એક પણ કોર્પોરેટર નથી. તેવામાં મહાપાલિકામાં પત્રકારો સતાધીશો સમક્ષ શહેરના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય સભામાં પત્રકારોની એન્ટ્રી ઉપર રોક લગાવી દેવી એટલે આ સભાને ખાનગી કરી દેવા જેવી સ્થિતિ જણાઈ રહી છે. આજની ઘટનાથી એવો પણ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે સભામાં એવી તો શું ખાનગી વાતો હશે કે તે પત્રકારો મારફત શહેરીજનો સુધી સત્તાધીશોને પહોંચવા દેવી ન હતી. ખરેખર એવી કોઈ ચર્ચા જ સતાધીશોને કરવી હોય તો એના માટે કમલમમાં બેઠક બોલાવવી જોઇતી હતી, નહિ કે કોર્પોરેશનમાં. વધુમાં સતાધીશો રાજકોટ કોર્પોરેશનના અધિનિયમો અપનાવવાની વારંવાર વાતો કરી રહ્યા છે. તો રાજકોટ કોર્પોરેશનમાં સભાઓમાં પત્રકારો ઉપર ક્યારેય પાબંધી લાગી નથી. સભાઓમાં જે ચર્ચાઓ થાય છે તે પત્રકારોની હાજરીમાં જ થાય છે અને તમામ ચર્ચાઓ પત્રકારોના માધ્યમથી શહેરીજનો સુધી પહોંચે છે. પત્રકારોને બહાર કાઢી મૂકી સભાને ખાનગી બનાવવા મુદ્દે મેયરના ગોળગોળ જવાબોસામાન્ય સભા દરમિયાન પત્રકારોને બહાર જવા માટે કહેવામાં આવતા પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ મેયર ઉત્તમ સુરાણીને આકરા સવાલો કર્યા હતા. પત્રકારોએ પૂછ્યું હતું કે ક્યા એક્ટ મુજબ મીડિયાને પબ્લિકના હિતની સભામાંથી બહાર કાઢવામાં આવ્યા? મેયર આ સવાલોના સ્પષ્ટ જવાબો આપી શક્યા ન હતા અને જણાવ્યું હતું કે સભ્યો સાથે 10 મિનિટ આંતરિક ચર્ચા કરવાની હોવાથી બહાર જવા કહ્યું હતું, કોઈને સભામાંથી કાઢી મુકવાનો કોઈ આદેશ ન હતો. કમિશનર સંગીતા રૈયાણીએ ગેરસમજ ગણાવી બચાવ કર્યોઆ વિવાદ વધતા મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ દરમિયાનગીરી કરી હતી. કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મેયરને માત્ર પોતાના સભ્યો સાથે 10 મિનિટ માટે કેટલીક ચર્ચા કરવી હતી, જેના કારણે મીડિયાને થોડીવાર બહાર જવા વિનંતી કરાઈ હતી, ભવિષ્યમાં આવી કોઈ મિસઅંડરસ્ટેન્ડિંગ નહીં થાય તેની પણ તેમણે ખાતરી આપી હતી. આમ મેયર જવાબ આપવા સક્ષમ ન જણાતા કમિશનરે તેમના બચાવમાં આવવું પડ્યું હતું. મહિલા કોર્પોરેટરોના પતિ કે સગાઓ સભામાં નહીં બેસી શકેસભામાં મહિલા કોર્પોરેટરોના પતિ અથવા અન્ય સગા-સંબંધીઓ આવીને બેસી જતા હોવાનો અને દખલગીરી કરતા હોવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. આ અંગે કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે આ બાબત બિલકુલ અસ્વીકાર્ય છે. આ સમસ્યાને રોકવા માટે તમામ કોર્પોરેટરોને આજથી જ ID કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરો જ સભામાં બેસી શકશે તેવો કડક નિયમ લાગુ કરવામાં આવશે.ડોર ટુ ડોર કલેક્શનમાં બાળમજૂરી મુદ્દે કડક કાર્યવાહીની ખાતરીશહેરમાં ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં એજન્સીઓ દ્વારા બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદ મુદ્દે કમિશનરે જણાવ્યું હતું કે, શ્રમ અધિકારીના ધ્યાને આ બાબત આવી છે. બાળમજૂરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. જો એજન્સી દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ સાબિત થશે તો નિયમ મુજબ 100 ટકા કડક પગલાં લેવામાં આવશે.ભંગાર કૌભાંડમાં જવાબદાર અધિકારીને નોટિસ, FIR ની તૈયારીમોરબીમાં ગાજેલા ભંગાર કૌભાંડ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કમિશનરે માહિતી આપી હતી કે, આ મામલે જવાબદાર અધિકારીને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમનો ખુલાસો અગ્રાહ્ય રાખીને દંડનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં, IPC કલમ 106 હેઠળ ચીફ ઓડિટરને તપાસ સોંપવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ FIR દાખલ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.15 નવી સમિતિઓની રચના અને કર્મચારીઓને 14 લાખની સહાયનો નિર્ણયકમિશનરના જણાવ્યા અનુસાર આજની સભામાં જીપીએમસી એક્ટની કલમ 30 મુજબ 15 નવી સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને 3 સભ્યો મળીને કુલ 75 પદાધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત વોડ સમિતિની પણ રચના કરવામાં આવી છે. સભામાં એક સારો નિર્ણય પણ લેવાયો હતો કે કોર્પોરેશનના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્યુ થાય તો તેમના પરિવારને 14 લાખ રૂપિયાની વીમા સહાય આપવામાં આવશે. આજ રોજ પ્રથમ ચેક મેયરના હસ્તે એક મૃતક કર્મચારીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #MorbiNews #UttamSurani #SangitaRayani #GujaratNews #Journalism #MorbiCity