હળવદ યાર્ડ આવતી કાલે શનિવારે પણ બંધ રહેશે : માવઠાથી ખેડૂતો ચિંતિત હળવદ : હળવદ તાલુકામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠુ થયું છે તો સાથે ઠંડીના ચમકારામાં પણ વધારો થયો છે આજે પણ સતત બીજા દિવસે હળવદ તાલુકાના રણકાંઠાના ગામોમાં ખેતરમાં પાણી ભરી જાય ત્યાં સુધીનો વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને શિયાળુ પાકમાં તેમજ તૈયાર થઈ ગયેલા પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બે દિવસથી વાતાવરણમાં આવેલ બદલાવને લીધે ક્યાક ઝરમર તો ક્યાંક ઝાપટાં રૂપે માવઠું થયું છે ખાસ કરીને આજે હળવદ તાલુકાના ટીકર,માનગઢ,ખોડ, મિયાણી સહિતના ગામોમાં માવઠાથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે ખેડૂતોની તૈયાર થયેલી જણસ પલડી ગઈ છે. સાથે જ શિયાળુ પાકમાં પણ નુકસાની સહન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. હાલ તો હળવદ પંથકમાં ચણા,જીરું સહિતના શિયાળુ પાકના ઝેર બનીને માવઠું વરસતુ હોય જેથી ખેડૂતો ચિંતીત બન્યા છે.