ખેડૂતો કહે છે કે, હાલ ઝરમર-ઝરમર કમોસમી વરસાદ હોય નુકશાની થોડી ઓછી છે પણ વધુ કમોસમી વરસાદ પડે તો રવીપાકનું આવી જ બન્યું સમજજો જિલ્લા ખેતીવાડી અધિકારી કહે છે કે, માવઠાથી હાલ ખેતીમાં નુકસાની નથી પણ વાદળછાયા વાતાવરણથી પાકમાં રોગ ન ફેલાય તે માટે તકેદારી લેવાશે મોરબી : હવામાન ખાતાની માવઠાની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં ગઈકાલે મોડી સાંજથી વાતાવરણ પલટાયું હતું અને કમોસમી છાંટા પડ્યા બાદ રાતભર અને આજે સવારથી જ ઝરમર ઝરમર કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાથી રવીપાકને થોડી અસર પડી છે. આ અંગે ખેડૂતો કહે છે કે, ગતરાત્રીથી ઝરઝર ઝરમર કમોસમી વરસાદ પડતો હોય ખેતરમા જમીન ભીની થઇ ગઇ છે. આથી હાલ રવીપાક લહેરાતો હોય આ વરસાદથી ઘઉં અને જીરુંના પાકને થોડી નુકશાની થઈ છે. પણ હવે જો વધુ વરસાદ પડે તો રવીપાકને મોટી નુકસાની થશે. માળીયા તાલુકાના સુલતાનપુર ગામના સરપંચ ભાવેશભાઈ કહે છે કે, ગામમાં માવઠાથી રવીપાકને થોડી અસર થઈ છે.જેમાં ઘઉં, જીરું, ચણા, રાયડો જેવા પાકને થોડી ઘણી નુકશાની થઈ છે. તેમના ગામ ઉપરાંત માણાબા, ચીખલી, ખાખરેચી, સહિતના માળીયાના મોટાભાગના ગામોમાં રવીપાક ઉપર માવઠાની થોડે ઘણે અંશે અસર પહોંચી છે.જ્યારે માળીયાના ભાવપર ગામના ખેડૂત મનહરભાઈ બાવરવાએ કહ્યું હતું, કે, ચોમાસામાં વેવેલા કપાસમાં હજુ ઘણા બધા ખેડૂતોને કપાસ વિણવાનો બાકી છે.આથી માવઠાથી ખેતરમાં રહેલા કપાસને નુકસાન થશે.તેમના ગામ ઉપરાંત વેણાસર, વેજલપર સહિતના ગામોમાં ઘઉં અને જીરુંના પાકને નુકશાની થઈ છે. મોરબીના ખેવરિયા ગામના ખેડૂત પ્રફુલભાઈ હોથીએ જણાવ્યું હતું કે, આમ તો મોરબી તાલુકાના ઘણા બધા ગામોમાં ઘઉં, જીરુંનો પાક લહેરાય છે. પણ આ માવઠાથી જીરુંના પાકને મોટી નુકશાની થશે. વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં રોગ પણ આવશે. જ્યારે મોરબીના ખાખરાળા ગામના જીલુંભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી નુકશાની ઓછી થશે. પણ વાદળછાયા વાતાવરણ અને ટાઢુંબોળ વાતાવરણ રહેવાથી કપાસ તેમજ રવીપાકને મોટી અસર થશે. માળીયાના ઘાટીલા ગામના ખેડૂત કેતનભાઈ વિડજા કહે છે કે, હજુ કમોસમી વરસાદ બહુ જ ઓછો હોય નુકસાની થોડી ઓછી થશે.પણ હજુ વધુ વરસાદ પડે અને લાંબા સમય સુધી વાદળછાયુ વાતાવરણ રહે તો પાકને મોટી નુકશાની થશે. જ્યારે મોરબીના થોરાળા ગામના ખેડૂત મનસુખભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, આ વખતે સીઝનમાં વારંવાર માવઠા અને ઝાકળ પડવાથી રવીપાકને નુકસાન થયું છે. તેઓએ ચોમાસામાં કપાસ સહિતનું વાવેતર કર્યું હતું. પણ એ ફેઈલ ગયું હતું.છેલ્લા બે વર્ષથી વધુ વરસાદ અને શિયાળામાં વારંવાર માવઠાને કારણે કંટાળીને આ વખતે તેઓએ કશું જ વાવ્યું નથી. જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ,હાલ મોરબી જિલ્લામાં માત્ર કમોસમી વરસાદના છાંટા જ પડ્યા છે. એટલે જિલ્લામાં ક્યાંય નુકશાની જ નથી. પણ વાદળછાયા વાતાવરણને કારણે પાછળથી પાકમાં રોગ આવવાની શક્યતા હોય છે. આથી એના માટે ખેડૂતોને તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. પાકમાં જરૂરી દવા છંટકાવ સહિતના પગલાં લેવાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..