હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરીમોરબી : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આ આગાહીના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ભર શિયાળે માવઠાના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. અરબ સાગરમાં ટ્રફના કારણે તા. 8થી10 દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડશે.રાજ્યના હવામાન વિભાગે આગામી તા. 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.હવામાન ખાતા દ્વારા વાતાવરણમાં પલટો આવવાના સંકેતો અપાતા ફરી એકવાર શિયાળાની જમાવટમાં રૂકાવાટ આવશે તેમ જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ મંગળવારથી ઉત્તર ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પડશે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો વધશે.હાલમાં રાજ્યમાં શિયાળાની શરૂઆત બાદ સતત વાતાવરણમાં પલટો આવતાં શિયાળું પાક પર સતત નુકસાનીનો ભય તોળાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માંડ ઠંડીનો ચમકારો વધતાં ખેડૂતોમાં ખુશી જોવા મળે છે, ત્યારે હવે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધશે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થશે.ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ 8 જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ દિવસે નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં કમોસમી વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં વરસાદની શક્યતા છે. 9મી જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં માવઠાની આગાહી કરાઈ છે. તો રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.