મોરબી : મોરબી લોહાણા સમાજના અગ્રણી તુલસીદાસ રેલનના પુત્રી માયાબેન ઠક્કરને અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા તેમના યોગ ક્ષેત્રના પ્રદાન માટે મહાપારીતોષિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના રઘુવંશી લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વીરપુરમાં સરસ્વતી ગૌરવ સન્માન એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ભુજના યોગ શિક્ષક માયાબેન પરાગભાઇ ઠક્કર કે જેઓ છેલ્લા 21 વર્ષથી જી. કે. જનરલ હોસ્પિટલ, બેંકર્સ કોલોની જેવી અનેક જગ્યાઓએ તેમજ યોગ દિવસની ઉજવણી રૂપે અનેક શાળાઓ તથા મંદિરોમાં નિ:શુલ્ક યોગ શિક્ષણ આપી સેવા કરી રહ્યા છે, તેમને સેવાકાર્ય બદલ જયેશભાઈ સચદેના હસ્તે મહાપારીતોષિત એવોર્ડ, સર્ટિફિકેટ તથા ખેસ પહેરાવીને સન્માનિત કરાયા હતા. માયાબેન ઠક્કરે એવોર્ડ પ્રાપ્ત કરીને લોહાણા સમાજ તથા મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.