મોરબી : શ્રાવણ વદ આઠમને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી સબજેલમાં રહેતા બંદીવાનો તેઓના પરિવારથી દૂર હોવાથી તહેવારના દિવસે માનસિક તણાવ ન અનુભવે અને તેઓની વચ્ચે ભાઈચારાની ભાવના રહે તે હેતુથી સબજેલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંદીવાનો દ્વારા મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ સબ જેલના અધિક્ષક ડી. એમ. ગોહેલ, ઈ. ચા. જેલર પી.એમ.ચાવડા સાથે જેલ સ્ટાફ તેમજ જેલમાં રહેતા અલગ-અલગ ધર્મના તમામ બંદીવાનો દ્વારા શ્રીકૃષ્ણને માખણ, મિશ્રી, ધાણા, પંજરી, પંચામૃત વગેરે વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે શ્રીકૃષ્ણ ભગવાનની પુજા કરી આરાધના કરવામાં આવી હતી.