મોરબીમાં કોરોનાના કારણે જન્માષ્ટમીની ઉજવણીનો રંગ ફિક્કો : શોભાયાત્રા, લોકમેળાઓ રદ મોરબી : જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ સૌથી મોટો તહેવાર છે. આ એક જ એવો તહેવાર છે કે લોકો હસી-ખુશી ચાર દિવસ સુધી લોકોમેળાની મનભરીને રંગત માણતા હોય છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ ભેર ઉજવણી થતી હોય છે. જેમાં તમામ લોકો 'નંદ ઘેર આનંદ ભયોના નાદ' સાથે કૃષ્ણની ભક્તિના રંગે રગાય જતા હોય છે. પણ આ વખતે આ જન્માષ્ટમી મહોત્સવ પર કોરોનાને કારણે બ્રેક લાગી ગઈ છે. આથી, મોરબીમાં આ વખતે જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા, મટકીફોડ અને લોકમેળાઓ રદ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી પર્વ પર દર વર્ષે આખું મોરબી ગોકુળિયું ગામ બની જતું હોય છે. શહેરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે. જેમાં માનવ સાગર લહેરાતો હોય છે અને કૃષ્ણ ભક્તિના ઉન્માદની ચરમસીમા જોવા મળતી હોય છે. અને મુખ્ય વિસ્તારો ઉપરાંત શહેરના દરેક વિસ્તારમાં મટકી ફોડ કરીને નંદલાલાના જન્મના હર્ષભેર વધામણાં કરાઈ છે. તેમજ સળંગ ચાર દિવસ સુધી લોકો મેળાની મનભરીને મોજ માણતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને લઈને મોરબીમાં આ વખતે 12 ઓગસ્ટ જન્માષ્ટમીએ શોભાયાત્રા, જાહેરમાં મટકી ફોડ અને લોકમેળાઓ ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આથી, વિહિપ, બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા જન્માષ્ટમીની એકદમ સાદાઈથી ઉજવણી થશે. એક પણ જાહેર સ્થળે મટકી ફોડ કે શોભાયાત્રા અને લોકમેળા નહિ યોજાઈ. જો કે આ વખતે કોરોનાએ જન્માષ્ટમીની ઉજવણીમાં રંગમાં ભંગ પડ્યો છે. તેથી, લોકો નિરાશ થયા છે. પણ લોકોને ખુશીએ એ વાતની છે કે જાન સલામત તો સબ સલામત.